નવી દિલ્લીઃગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા હવે દિલ્લીના મોટાભાગના નેતાઓ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. એક બાદ એક નેતા ગુજરાતના ગામે ગામમાં ફરી રહ્યાં છે. પ્રચાર-પ્રસારમાં આક્ષેપ પ્રતિઆક્ષેપના દોરમાં ચાલી રહ્યો છે. ત્યારે દરેક નેતા પોતાને સાચો અને મોટો સાબિત કરવા આ મંચનો ઉપયોગ કરવા માંગે છે. એવામાં દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વધુ એક નિવદન ખુબ જ ચર્ચામાં આવ્યું છે. કારણકે, આ વખતે કેજરીવાલે ભારતની ચલણી નોટોમાં ફેરફાર કરવા કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચલણી નોટો પર દેવી-દેવતાઓની તસવીરો લગાવવાની વાત કરીને કેજરીવાલ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. એક તરફ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ મફત વિજળી અને બીજા નિવેદનો આપીને સતત ચર્ચા જગાવતા રહ્યાં છે. એવામાં કેજરીવાલના આ નિવેદનથી ફરી એક નવો વિવાદ સર્જાયો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય નોટને લઈને કેન્દ્ર સરકાર પાસે મોટી માગ કરી છે. દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત એક વિકસિત દેશ બને, પરંતુ પ્રયાસો ત્યારે જ સફળ થાય છે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. એટલા માટે હું કેન્દ્ર પાસે માગ કરું છું કે, ભારતીય ચલણ પર ગાંધીજીના ફોટાની બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર છાપવામાં આવે.


કેજરીવાલે જણાવ્યુંકે, આપણે ભારતીય અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે, પરંતુ તેની સાથે દેવી-દેવતાઓના આશીર્વાદની પણ જરૂર છે. જો ભારતીય ચલણ પર લક્ષ્મી-ગણેશની તસવીર હશે તો આખા દેશને તેમના આશીર્વાદ મળશે. માતા લક્ષ્મીને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતીય ચલણની એક તરફ ગાંધીજીની તસવીર છે, તેને જેમ છે તેમ રહેવા દો. બીજી તરફ ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર લગાવવામાં આવી જોઈએ.


કેજરીવાલે કહ્યું કે આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત સમૃદ્ધ દેશ બને. ભારતમાં રહેતા તમામ પરિવારો સમૃદ્ધ બને. આજે મારી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ છે કે ભારતીય ચલણ પર ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણેશજીની તસવીર લગાવવામાં આવે. અમે તમામ નોટો બદલવાની માગ નથી કરી રહ્યા. અમે ઈચ્છીએ છીએ કે નવી નોટો પર આ નિયમ લાગુ કરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube