ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ભાલ પંથકમાં પાણી ફરી વળ્યાં હતા, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થતા ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક બળી જવાની ખેડૂતોને ભીતિ છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: માત્ર 20.કિમિ દૂર આવેલા ભાલ પંથકના 9 જેટલા ગામોમાં નદીના પાણી ફરી વળતા ખેતરોમાં ઉભો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદી માહોલ છવાતા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ભાલ પંથકમાં પાણી ફરી વળ્યાં હતા, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થતા ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક બળી જવાની ખેડૂતોને ભીતિ છે.
ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર કે જ્યાં માઢિયા, સવાઇનગર, દેવળીયા, પાળીયાદ જેવા ગામોને આ વિસ્તારમાંથી પસાર થતી ઘેલો, માલેશ્રી, કાલુભાર અને કેરી સહિતની અનેક નદીઓના કહેરનો સામનો કરવો પડે છે. ત્યારે છેલ્લા ચાર દિવસ દરમ્યાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, ભાલ પંથકના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના પાણી ભાલ પંથકમા ફરી વળ્યાં હતા.
વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોનો તૈયારીમાં આવી ને ઉભો રહેલો કપાસ, બાજરી, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ભાલ પંથકના ખેડૂતો મહા મુશ્કેલીએ વર્ષમાં બે પાક લઈ શકે છે, પરંતુ વરસાદી પાણી ખેડૂતોની આશાઓ પર પણ પાણી ફેરવી દે છે. ખેતરોમાં કડ સમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક કોહવાઈ રહ્યો છે, જેનો યોગ્ય રીતે કાયમી નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.
ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલા મીઠાના અગરો ના પાળા નદીના વહેણમાં આડા આવતા હોય નદીનું પાણી ખાડીમાં વહી જવાને બદલે આડું ફાટી વાડી ખેતરોમાં ફેલાઈ જતું હોય છે. ત્યારે ભાવનગર અને આજુબાજુના જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે આ નદીઓનું પાણી ભાલ પંથકમાં અનેક ખેતરોમાં ફરી વળ્યું છે. અનેક ખેતરોમાં કેડ સમુ પાણી ભરાઈ જતા ખેતરોમાં ઊભા પાક જેમાં તલ, કપાસ, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા 7 વર્ષથી ચાલી આવે છે જેનો કોઈ ઉકેલ હજુ તંત્ર દ્વારા લાવવામાં નહી આવતા હવે ખેડૂતો તેનો કાયમી ઉકેલ ઝંખી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે