દેશભરમાં 4033 ધારાસભ્ય, પહેલા નંબર પર ભાજપ, જાણો કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય છે
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ પરિણામ પછી દેશભરમાં બીજેપી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે.આ સમયે દેશમાં સૌથી વધારે ધારાસભ્યો બીજેપી પાસે છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના છે.
જયેશ જોશી, અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગુજરાતમાં જ્યાં ભાજપ ફરીથી રેકોર્ડ સાથે સરકાર બનાવવામાં સફળ રહી છે. તો હિમાચલમાં પાંચ વર્ષ પછી કોંગ્રેસ ફરી સત્તામાં આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પાંચ બેઠક જીતવામાં સફળ રહી છે. તેની સાથે આમ આદમી પાર્ટી પણ હવે રાષ્ટ્રી પાર્ટી બની ગઈ છે. એવો દાવો દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકોએ આમ આદમીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. ગુજરાત અને હિમાચલના પરિણામ સામે આવ્યા પછી દેશભરમાં બીજેપી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે.આ સમયે દેશમાં સૌથી વધારે ધારાસભ્યો બીજેપી પાસે છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના છે.
દેશમાં કેટલા ધારાસભ્યો:
આંકડા પ્રમાણે 28 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્લી, પુડુચેરીને મળીને દેશમાં 4033 ધારાસભ્ય છે. સૌથી વધારે ભાજપના 1370 ધારાસભ્ય છે. તો બીજા નંબરે કોંગ્રેસના 771 ધારાસભ્ય છે. તેના પછી તૃણમૂલ કોંગ્રેસના 215 ધારાસભ્ય છે. જ્યારે ચોથા નંબરે 161 ધારાસભ્ય સાથે આમ આદમી પાર્ટી છે.
દેશમાં કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય:
ભાજપ - 1370 ધારાસભ્ય
કોંગ્રેસ - 771 ધારાસભ્ય
તૃણમૂલ કોંગ્રેસ - 215 ધારાસભ્ય
આમ આદમી પાર્ટી - 161 ધારાસભ્ય
YSRCP - 151 ધારાસભ્ય
DMK - 133 ધારાસભ્ય
સમાજવાદી પાર્ટી - 113 ધારાસભ્ય
બીજુ જનતા દળ - 112 ધારાસભ્ય
CPI (M) - 89 ધારાસભ્ય
TRS - 88 ધારાસભ્ય
બીજેપી-કોંગ્રેસની પાસે ક્યાં સૌથી વધારે ધારાસભ્ય:
દેશના 11 રાજ્ય અરુણાચલ પ્રદેશ, અસમ, ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ,ત્રિપુરા, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભાજપના પોતાના મુખ્યમંત્રી છે. આ સિવાય મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને પુડુચેરીમાં સરકારમાં ભાજપ સહયોગી છે. કુલ મળીને 16 રાજ્ય એવા છે જ્યાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર છે. ચૂંટણી પંચમાંથી મેળવેલા આંકડા પ્રમાણે ભાજપના 1370 ધારાસભ્યમાં અડધાથી વધારે ધારાસભ્ય માત્ર 5 રાજ્યમાં છે. સૌથી વધારે 255 ધારાસભ્ય ઉત્તર પ્રદેશમાં છે. તેના પછી 156 ધારાસભ્ય ગુજરાતમાં છે. પછી મધ્ય પ્રદેશમાં 109, મહારાષ્ટ્રમાં 105 અને કર્ણાટકમાં 104 ધારાસભ્ય છે. આ આંકડા ચૂંટણી પરિણામોના છે. પછી અનેક ધારાસભ્ય તૂટીને ભાજપમાં આવી ગયા. તેનો આંકડો સામેલ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસની માત્ર છત્તીસગઢ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં સરકાર છે. રાજસ્થાનમાં કોંગ્રેસના 100 ધારાસભ્ય છે. મધ્ય પ્રદેશમાં 96 ધારાસભ્ય છે. છત્તીસગઢમાં 68 ધારાસભ્ય છે. જ્યારે હિમાચલમાં કોંગ્રેસે આ વખતે 40 બેઠકો જીતી છે.
લોકસભા-રાજ્યસભામાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ:
લોકસભામાં આ સમયે સાંસદોની સંખ્યા 542 છે. એક સીટ હજુ પણ ખાલી છે. આ 542માંથી 303 સાંસદ બીજેપીના છે. જ્યારે કોંગ્રેસની પાસે 53 સાંસદ છે. આ રીતે રાજ્યસભામાં આ સમયે 239 ધારાસભ્ય છે. 6 સીટ ખાલી છે. તેમાંથી 92 સભ્ય ભાજપના છે. જ્યારે કોંગ્રેસના 31 સાંસદ છે.