AAP Assembly Elections Strategy: દિલ્લીની શાસક પાર્ટી આમ આદમી પાર્ટી હવે વિસ્તારવાદી રણનીતિ પર કામ કરી રહી છે. તે અંતર્ગત આ વર્ષે 9 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહી છે. પંજાબમાં સરકાર બનાવ્યા અને ગુજરાતમાં 5 બેઠક જીત્યા પછી પાર્ટીનો આત્મવિશ્વાસ બુલંદ છે. જેના કારણે પાર્ટીએ હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક અને મિઝોરમમાં બધી બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક જીત્યા પછી આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ચૂક્યો છે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતાં આપના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું કે તેમની પાર્ટીએ 5 રાજ્યમાં પાર્ટી એકમના સંગઠને બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પાઠકે કહ્યું કે આપ 5 રાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો પર મેદાનમાં ઝંપલાવશે. પાર્ટીએ ગ્રામ્ય સ્તરે પોતાનું સંગઠન બનાવવાની શરૂઆત કરી દીધી છે. એકવખત કાર્યકર્તાનો આધાર બની ગયા પછી અમે લોકોને પ્રભાવિત કરનારા સ્થાનિક મુદ્દાની રણનીતિ પર કામ શરૂ કરી દઈશું.


પાઠકે કહ્યું કે પાર્ટી ગ્રામ-સ્તરીય સમિતિઓની રચના કરશે અને ગામ, બ્લોક અને જિલ્લા સ્તરે કાર્યકર્તાઓનો એક ડેટા બેસ તૈયાર કરશે. તેમણે કહ્યું કે આપની તાકાત તેમના જમીન પરના કાર્યકર્તા છે. પાંચ રાજ્યમાં ફ્રી વિજળી-પાણી, શિક્ષણ-મેડિકલ સુવિધા આપવાના વાયદા સિવાય પાર્ટીએ વિધાનસભા વાર સ્થાનિક મુદ્દાની તપાસ શરૂ કરી છે. અને તેના આધારે જ પાંચ રાજ્યમાં માઈક્રો લેવલ પર ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવશે. પાઠકે કહ્યું કે નિ:શુલ્ક યોજનાએ જન કલ્યાણ માટે છે. 
અને પાર્ટી તેનાથી પાછળ નહીં હટે.


પાર્ટીને મધ્ય પ્રદેશમાં સારા પ્રદર્શનની આશા છે. કેમ કે સ્થાનિક નિગમ અને મેયરની ચૂંટણીમાં આપે સારું પ્રદર્શન કર્યુ હતું. 2018ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ આવ્યા હતા. જેમાં કોંગ્રેસ 114 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજેપીએ 109 બેઠકો પર જીત મેળવી હતી. જેના પછી કમલનાથની સરકાર બની હતી. પરંતુ 2020માં બીજેપીએ કોંગ્રેસના ધારાસભ્યો તોડીને 2020માં પોતાની સરકાર બનાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. તો મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. કર્ણાટકમાં ભાજપની સરકાર છે. મધ્ય પ્રદેશ  અને કર્ણાટકમાં ભલે ભાજપની સરકાર હોય પરંતુ તેમણે તોડ-જોડ કરીને સરકાર બનાવી છે.