દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ અને યમુનાનું વધેલુ જળસ્તર ચિંતાનો વિષય બનેલા છે. દિલ્હીમાં લોઢાનો જૂનો પૂલ બંધ કરી દેવાયો છે. યમુનાના વધતા જળસ્તર વચ્ચે એકવાર ફરીથી વોટર ટ્રિટમેન્ટ  પ્લાન્ટ પણ જોખમ તોળાઈ રહ્યું છે. ગત વખતે યમુનામાં પૂરનું પાણી વઝીરાબાદ, ચંદ્રાવાલ અને ઓખલા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ભરાઈ જવાના કારણે બંધ કરવા પડ્યા હતા અને દિલ્હીના અનેક વિસ્તારોને પાણી સપ્લાયની સમસ્યા ઝેલવી પડી હતી. પરંતુ એકવાર ફરીથી હવે પૂરનું જોખમ તોળાય છે અને અગાઉની સમસ્યામાંથી પાઠ ભણતા દિલ્હી સરકારે તમામ વોટર પ્લાન્ટની દીવાલોને ઊંચી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે દિલ્હીના પૂર અને સિંચાઈ વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે વઝીરાબાદ વોટર પ્લાન્ટની મુલાકાત કરી હતી. ગત વખતે યમુનાનું પાણી ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ઘૂસી જવાના કારણે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો. ભારદ્વાજે જણાવ્યું કે એકવાર ફરીથી યમુનાનું જળસ્તર વધવાનું શરૂ થયું છે. હાલ યમુનાનું જળસ્તર 206 મીટરથી ઉપર છે. જે ખતરાના નિશાનથી ઉપર છે. મળતી માહિતી મુજબ  હથણીકુંડ બેરેજથી 2 લાખ ક્યૂસેકથી વધુ ક્ષમતા સાથે પાણી છોડવામાં આવી રહ્યું છે. 


ઝડપથી વધુ રહ્યું છે યમુનાનું સ્તર
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યુ છે. રવિવારે રાતે 8 વાગે યમુનાનું જળસ્તર 206 મીટર અને 37 સેન્ટીમીટર નોંધાયુ હતું. દિલ્હી સરકારનું કહેવું છે કે જે જગ્યાઓ પર પાણી યમુનાથી બહાર નીકળીને પહેલા દિલ્હીના રસ્તાઓ પર આવ્યું હતું તે તમામ જગ્યાઓ પર નિગરાણી કરવામાં આવી રહી છે. તે જગ્યાઓ પર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમ કે દીવાલો બનાવીને કે પછી અન્ય વ્યવસ્થા કરીને જેથી કરીને આ વખતે  પાણી બહાર નીકળીને રસ્તાઓ પર ન આવી શકે. આ કામ કરવા માટે સરકારે 60 અલગ અલગ ટીમો બનાવી છે. જે દિલ્હીના આા સ્થળો પર નિગરાણી રાખી રહી છે. જ્યાંથી અગાઉ પાણી બહાર આવીને દિલ્હીના રસ્તાઓ પર આવી ગયું હતું. 


ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી
આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડમાં પડશે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં 124 ટકા તો જિલ્લાવારમાં જૂનાગઢમાં ખાબક્યો 143 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 22 કલાકમાં ગુજરાતના 186 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ ભાવનગરમાં 5 ઈંચ વરસાદ. 45 તાલુકામાં 1થી 5 ઈંચ સુધી પડ્યો વરસાદ.


ગુજરાતમાં વરસાદથી તબાહી
ગુજરાતના જૂનાગઢમાં પૂરના પાણી ઓસરવા માંડ્યા છે. જૂનાગઢમાં હજારો  લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડાયા છે. આ ઉપરાંત આઈએમડીએ રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં 24 જુલાઈએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અત્રે જણાવવાનું કે ચોમાસુ સક્રિય થયે હજુ માંડ 3 અઠવાડિયા જેટલો સમય થયો છે અને આખી સીઝન બાકી છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગે વધુ મોટું જોખમ ગણાવ્યું છે. આથી ચોમાસાની સ્થિતિ અને હવામાન વિભાગની ચેતવણીની ધ્યાનમાં રાખવી જરૂરી છે. 

કેરળમાં રજાઓ
કેરળમાં વરસાદને ધ્યાનમાં રાખીને કન્નૂર, કોઝિકોડ, અને વાયનાડ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓ જાહેર કરાઈ છે. કન્નૂર, કોઝિકોડ, વાયનાડ, કાસરગોડ, ઈડુક્કી, એર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, મલપ્પુરમ, જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જો કે કન્નુર યુનિવર્સિટીની પીએસસી પરીક્ષામાં કોઈ ફેરફાર નથી. 


ઉત્તરાખંડમાં પણ રજાઓ જાહેર
ઉત્તરાખંડના મેદાની અને પહાડી વિસ્તારોમાં વરસાદના એલર્ટ વચ્ચે ડીજી શાળા શિક્ષણ બંશીધર તિવારીએ જિલ્લાઓના ડીએમ અને મુખ્ય શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે. ડીજી સ્કૂલ શિક્ષણ તિવારીએ લખ્યું છે કે કૃપા કરીને ચોમાસા અલર્ટ દરમિયાન સંબંધિત જિલ્લાઓમાં શાળાઓની ભૌગોલિક અને સંરચનાત્મક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા સુરક્ષા ઉપાયો સુનિશ્ચિત કરો. જે શાળા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ વરસાદી નાળા કે નાળામાંથી પસાર થાય છે ત્યાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરો. આ સાથે કહેવાયું છે કે વિપરિત પરિસ્થિતિઓમાં ઓનલાઈન ક્લાસ પણ લઈ શકાય છે. કર્ણાટકમાં પણ બાગમાનડાલારા પાસે ભારે વરસાદના કારણે કાવેરીનું પાણી વધવાથી રસ્તાઓ અવરોધાયા છે. કર્ણાટકમાં શિવમોગ્ગા જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર,માં આઈએમડીએ પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે.