Weather Update 17th July: રાજધાની દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણે પૂરની સ્થિતિ પેદા થઈ છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગે (IMD) એ અનેક રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસના ભારે વરસાદ બાદ યમુના નદીના જળસ્તરમાં વધારો થવાથી દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન છે અને હજારો લોકોએ સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. જો કે હવે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને ધીરે ધીરે પાણી ઉતરવા માંડ્યુ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ વરસાદનો આ નવો રાઉન્ડ ભારે રહેશે તેવી આગાહી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું રહેશે ગુજરાતની સ્થિતિ
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સોમવારે 17 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જ્યારે મંગળવારે (18 જુલાઈ) નવસારી- વલસાડ, અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારે (19 જુલાઈ) નવસારી, વલસાડમાં અતિભારે, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે, ગુરુવારે (20 જુલાઈ) નર્મદા, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં અતિભારે જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે (21 જુલાઈ) સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં  અતિ ભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. 


હવામાન વિભાગે રવિવારે હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18 જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે. 


આજે દિલ્હીમાં કેવું રહેશે મૌસમ
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો અને ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે સોમવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. યમુનાનું જળસ્તર થોડું ઓછું થવાથી રાહત તો મળી છે પરંતુ સતત થઈ રહેલા વરસાદના કારણે ચિંતા વધી શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું કે આગામી ચારથી પાંચ દિવસ સુધી  દિલ્હીનું હવામાન આ રીતનું રહેશે અને મધ્યમ વરસાદની આશંકા છે. 


આ રાજ્યો માટે વરસાદનું યલ્લો એલર્ટ
ભારતીય હવામાન ખાતાએ સોમવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ,અને છત્તીસગઢમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગણા, અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 


હરિયાણામાં 3 દિવસ વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુરુગ્રામ ઉપરાંત અનેક હરિયાણાના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. જણાવ્યું છે કે 17 જુલાઈથી 20 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આઈએમડીએ જણાવ્યું કે હરિયાણા પર હળવું દબાણ સર્જાઈ રહ્યું છે જેના કારણે અરબી સમુદ્રથી આવનારો ભેજવાળો પવન વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 


બિહાર માટે પણ ચેતવણી
બિહારમાં એકવાર ફરીથી મૌસમનો મિજાજ બદલાવવા લાગ્યો છે. આઈએમડીએ બિહારમાં અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. પટણામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.