હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની ચોંકાવનારી હારની વિસ્તૃત તપાસ કરી ચૂકેલી કોંગ્રેસના ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના પ્રમુખે એક વચગાળાનો રિપોર્ટ બહાર પાડ્યો જેમાં મતગણતરી દરમિયાન ઈલેક્ટ્રોનિક મશીનોમાં વિસંગતિઓનો આરોપ લગાવ્યો છે. આઠ સભ્યોવાળી સમિતિના પ્રમુખ અને પાર્ટીના વરિષ્ઠ નેતા કરણસિંહ દલાલે સોમવારે પત્રકારોને કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા દરેક સર્વેક્ષણ કોંગ્રેસના પક્ષમાં હતો, રાજ્યમાં માહોલ કોંગ્રેસના પક્ષમાં હતો પરંતુ પરિણામ વિપરિત આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પાર્ટીની ચૂંટણી હારના વિવિધ કારણો ગણાવ્યા અને સત્તાધારી ભાજપ પર સરકારી તંત્રનો તેમના પક્ષમાં દુરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. ભાજપ 48 સીટ જીતીને સતત ત્રીજીવાર સત્તામાં પાછો ફર્યો જ્યારે કોંગ્રેસને 37 સીટ મળી. ઈનેલોએ બે સીટ જીતી જ્યારે 3 સીટ અપક્ષોના ફાળે ગઈ. 


EVM મતોમાં અંતર
દલાલે આરોપ લગાવ્યો કે 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM )ની બેટરીઓ 99 ટકા સુધી ચાર્જ રહેવાનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને મતગણતરીની ગતિ ધીમી થવી એ પણ એક મુદ્દો હતો.' તેમણે આરોપ લગાવ્યો કે 'આગળ વિસ્તૃત વિશ્લેષણથી જાણવા મળે છે કે વિવિધ બૂથો પર ઈવીએમ મતોમાં અંતર છે. જે ક્ષેત્રોમાં ભાજપે મામૂલી અંતરથી જીત મેળવી ત્યાં મતોમાં વધારો થયો છે અને મતદાન પૂરું થયા બાદ પંચકૂલા જિલ્લા અને ચરખી દાદરી જિલ્લામાં ક્રમશ: 10.52 ટકા અને 11.48 ટકા ઈવીએમ મતોમાં વધારો થયો. આ એક ગંભીર સંકેત છે.' તેમણે દાવો કર્યો કે આ તમામ વાતો મળીને સંકેત આપે છે કે આ પ્રક્રિયામાં ગંભીર હેરાફેરી થઈ છે. 


ચૂંટણી પંચ પર સવાલ
દલાલે રિપોર્ટનો હવાલો આપતા આરોપ લગાવ્યો કે 'ઈસીઆઈ (ચૂંટણી પંચ)નું આચરણ નિષ્પક્ષ નથી અને તેમાં પારદર્શકતાનો અભાવ છે. તેમનો દ્રષ્ટિકોણ ઉદાસીન છે.' અત્રે જણાવવાનું કે કોંગ્રેસ ચૂંટણી પરિણામ આવ્યા બાદ તરત જ અનેક આરોપ લગાવ્યા હતા. પરંતુ ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીઓમાં ગેરરીતિઓના તેમના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે પાર્ટી સમગ્ર ચૂંટી પરિણામની વિશ્વસનીયતા વિશે 'સામાન્ય' શંકા ઉઠાવી રહી છે જેવું ભૂતકાળમાં થયું છે. 


આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા દલાલે  કહ્યું કે 'આંકડાઓથી ખબર પડે છે કે મતદાનના તરત બાદ અને તેના એક દિવસ બાદ ઉપલબ્ધ કરાયેલા મતોના આંકડાઓમાં પણ ભારે અંતર છે, સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પોતાની કાનૂની ફરજોનું પાલન કરવામાં અને તમામ ઉમેદવારોને 17-એ, 17સી ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા, જે નાખવામાં આવેલા મતોના અંતિમ નિર્ણાયક/પ્રમાણ છે,  તે તથ્ય તરફ ઈશારો કરે છે કે કાં તો ઈવીએમ સાથે છેડછાડ  કરાઈ છે  અથવા તો ઈવીએમ જ બદલી નાખવામાં  આવ્યા છે. જેનાથી સંપૂર્ણ પ્રક્રિયા અવિશ્વસનીય/શંકાસ્પદ થઈ જાય છે.' તેમણે સવાલ ઉઠાવ્યો કે ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર પણ ઉમેદવારોને મળેલા કુલ મતોના આંકડા કેમ નથી, ફક્ત મતોની ટકાવારી કેમ છે. 


(ઈનપુટ- એજન્સી ભાષા)