ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉ વિસ્તારમાં મંગળવારે ભાગદોડની હિચકારી ઘટનાએ 100થી વધુ લોકોનો ભોગ લીધો. ફુલરઈ ગામમાં યોજાયેલા ભોલેબાબાના સત્સંગ કાર્યક્રમમાં આવેલી લાખોની ભીડ દરમિયાન ત્યાં અચાનક ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના જીવ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ગોઝારી ઘટના અંગે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોંકાવનારો ખુલાસો
મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માતની તપાસમાં એવું સામે આવ્યું છે કે બાબા જ્યાં પગ મૂકે છે તે માટીને ભક્તો પવિત્ર માને છે. લોકોમાં એવી માન્યતા પણ છે કે આ માટીને ઘરે લઈ જવાથી સઘળા  કષ્ટ દૂર થાય છે. મહિલાઓ તેને પાલવને છેડે બાંધી દે છે. બાબાના માર્ગમાં રંગોળી સજાવવામાં આવે છે. તે રંગોળીના રંગ ભળેલી ધૂળ પણ મહિલાઓ પાલવને છેડે બાંધી લે છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. આ 'ચમત્કારિક માટી'ના ચક્કરમાં જ લોકો ઉમટી પડ્યા હતા અને પછી ભાગદોડ મચી ગઈ. 


મૃતકોમાં મહિલાઓ વધુ
પીટીઆઈના જણાવ્યાં મુજબ આ અકસ્માત અંગે યુપીના મુખ્ય સચિવ મનોજકુમાર સિંહે જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં મૃતકોમાં 7 બાળકો અને 1 પુરુષને બાદ કરતા તમામ મહિલાઓ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલાઓ રોતી કકળતી જોવા મળે છે. આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી મહિલાઓ આ સત્સંગમાં ભાગ લેવા માટે પહોંચી હતી.