સબરીમાલા: જો મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તો અમે તાળું મારી દઈશું-મુખ્ય પૂજારી
સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં આજે પણ મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહીં.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં આજે પણ મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહીં. પ્રદર્શનકારીઓના દબાણને કારણે પોલીસે પીછેહટ કરવા પડી અને ભગવાન અયપ્પાના દર્શન માટે બંને મહિલાઓએ મંદિરના પ્રવેશદ્વારથી જ દર્શન કર્યા વગર પાછા ફરવું પડ્યું. 250 પોલીસકર્મીઓના સુરક્ષાઘેરામાં મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ પ્રદર્શનકારીઓ સામે જરાય ચાલ્યું નહીં અને બંને મહિલાઓ પાછી ફરી.
સન્નિધાનમમાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ કોઈ પણ હાલતમાં 10-50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં ઘૂસવા દેશે નહીં. તેમણે કહ્યું કે અમે સબરીમાલાની સુરક્ષા કરી રહ્યાં છીએ. આ બાજુ સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવારુ સ્થિતિને લઈને ખુબ પરેશાન છે. આજે બંને મહિલાઓ મંદિરના પ્રવેશદ્વાર સુધી પહોંચી જતા તેમણે કહ્યું કે જો મહિલાઓ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેઓ મંદિરમાં તાળું મારીને ચાવીઓ સોંપી દેશે. તેમણે કહ્યું કે હું શ્રદ્ધાળુઓ સાથે ઊભો છું. આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.
પ્રચંડ વિરોધના પગલે સબરીમાલા મંદિરમાં ન પ્રવેશી શકી બંને મહિલાઓ, પ્રવેશદ્વારથી જ પાછી ફરી
આ બાજુ પોલીસ પ્રદર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓ આગળ સાવ બેબસ બની ગયેલી જોવા મળી. આઈજી શ્રીજીતે કહ્યું કે આ એક અનુષ્ઠાન આપદા છે. અમે લોકો તેમને સુરક્ષા વચ્ચે અહીં સુધી લઈ આવ્યાં. પરંતુ દર્શન પૂજારીઓની સહમતિ વગર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે બંને મહિલાઓને જે પ્રકારની સુરક્ષા જોઈતી હશે તે અમે આપીશું અને મંદિર તરફ કૂચ કરતા પહેલા જ અમે તેમને ત્યાંની સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં.