અડધું ઈન્ડિયા અનફિટ, દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Lancet Study: ભારતની અડધી વસ્તી જરૂરીયાતની કસરત પણ કરતી નથી. લાન્સેટના સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે દેશની અડધી વસ્તી શારીરિક રીતે અનફિટ છે. વર્ષ 2022માં 57 ટકા મહિલાઓ પુરૂષ 42 ટકા ફિઝિકલી એક્ટિવ નહોતા.
નવી દિલ્હીઃ ભારતમાં દર બીજો માણસ આળસુ છે. આ ચોંકાવનારો ખુલાસો થયો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOના રિપોર્ટમાં. રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશના લગભગ અડધા ભારતીયો એટલા આળસુ બની ગયા છે કે તેઓ રૂટીન માટે જરૂરી શારિરિક શ્રમ પણ કરતા નથી. ત્યારે WHOએ 50 ટકા ભારતીયોને કેમ આળસુ ગણાવ્યા?. જોઈશું આ અહેવાલમાં.
ભારતમાં દર બીજો માણસ છે આળસુ
50 ટકા લોકો જરૂરિયાતથી ઓછી શારીરિક મહેનત કરે છે
શું ભારત આ સમયે બીમારીઓના ટાઈમ બોમ્બ પર ઉભું છે?.
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે ભારતમાં વિવિધ બીમારીઓથી લોકોના મોત થઈ રહ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે બીમારીઓનો હુમલો થઈ રહ્યો નથી પરંતુ આપણે તેને જાતે જ બોલાવી રહ્યા છીએ. આ ખુલાસો ગ્લોબલ હેલ્થ મેગેઝીન લેન્સેટમાં થયો છે.
WHOના મતે ફીટ રહેવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની શારીરિક કસરત જરૂરી છે. પરંતુ અડધા ભારતીયો આ માપદંડ પર ખરા ઉતરતા નથી. કેમ કે તેઓ શારીરિક શ્રમ પણ કરતા નથી. જેના કારણે તેઓ 2030 સુધીમાં ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે.
ભારતમાં લગભગ 57 ટકા મહિલાઓ ઓછી શારીરિક મહેનત કરે છે. જ્યારે 42 ટકા પુરુષો ઓછો શારીરિક શ્રમ કરે છે. વર્ષ 2000 સુધીમાં આ આંકડો માત્ર 22.3 ટકા હતો. પરંતુ 24 વર્ષમાં તે વધીને 49.4 ટકા થઈ ગયો છે.
સંશોધકોએ વિશ્વના 197 દેશોમાં 57 લાખ લોકોની ફિઝિકલી એક્ટિવિટી પર અભ્યાસ કર્યો છે... રિપોર્ટમાં દુનિયાના લગભગ ત્રીજા ભાગના લોકો શારીરિક એક્ટિવ ન હોવાથી અનફિટ છે. જોકે ભારતીયો માટે આ રિપોર્ટ મોટા ખતરાની ઘંટી છે. કેમ કે...
દેશમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસના શિકાર છે.
દેશમાં 18.5 કરોડ લોકો કોલેસ્ટ્રોલના દર્દી છે.
દેશમાં 25.4 કરોડ લોકો ઓબેસિટીનો શિકાર બન્યા છે.
જ્યારે 31.5 કરોડ લોકો બ્લડ પ્રેશરના દર્દી છે.
હજુપણ આ આંકડો વધી શકે છે. જો આપણે શારીરિક મહેનત નહીં કરીએ તો તે દિવસ દૂર નથી જ્યારે દેશમાં ઘરે-ઘરે ગંભીર બીમારીઓના દર્દીઓ હશે. અને હોસ્પિટલો પણ નાની પડવા લાગશે. એટલે જો તમારે પણ આ બીમારીના શિકાર ન બનવું હોય તો શારીરિક કસરત કે મહેનત કરવાનું શરૂ કરી દો. કેમ કે ફિટ રહેશો તો જ હિટ બનશો.