દેશમાં અનરાધાર વરસાદથી જનજીવનને બ્રેક, અનેક નદીઓ બની ગાંડીતૂર, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
દેશભરમાં વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. વરસાદને કારણે ઘણી નદીઓ છલી ગઈ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદે ચિંતા વધારી દીધી છે. જેમાં કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરના કારણે નીચાણવાળા વિસ્તારના લોકો સતત ખૌફમાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે ત્યારે કયા રાજ્યમાં કેવો છે મેઘરાજાનો મિજાજ? જોઈશું આ અહેવાલમાં.
નદીને લોકમાતા કહેવામાં આવે છે પરંતુ તે રૌદ્ર રૂપ ધારણ કરે તો શું થાય?. ઉત્તરાખંડના સોનપ્રયાગમાં વહેતી મંદાકિની નદીના છે. નદીમાં હાલમાં પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તેના ધસમસતા પ્રવાહમાં આર્મીએ બનાવેલો અસ્થાયી પુલ ધોવાઈ ગયો છે. જેણે તે વિસ્તારના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. બિહારના પટનામાં ગંગા નદીએ ભયજનક રૂપ ધારણ કર્યુ છે. ગાંધીધાટ પાસે નદીનું પાણી સતત વધી રહ્યું છે. જેના કારણે પ્રશાસન પણ સતત એક્શન મોડમાં છે.
દેશમાં વરસાદી પાણીનો કહેર
અનેક રાજ્યોમાં પાણી ભરાતાં હાલાકી
બિહાર, ઉત્તર પ્રદેશમાં નદીઓ ગાંડીતૂર
જમ્મુ, અસમમાં ભારે વરસાદથી હાહાકાર
અનરાધાર વરસાદથી જનજીવનને બ્રેક
24 રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ અજબ-ગજબઃ ભારતનું અનોખું ગામ, જ્યાં દરેક પુરૂષ કરે છે બે લગ્ન
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તે વિસ્તારના લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ તરફ અસમના ગુવાાહાટીમાં ફરી એકવાર આફતનો વરસાદ શરૂ થયો છે. અહીંયા ધોધમાર વરસાદના કારણે પાણી રસ્તા પર ભરાઈ ગયા છે. જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૃથ્વી પરના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર મૂશળધાર વરસાદના કારણે પાણી ભરાયા છે. જમ્મુના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલી સહન કરવી પડી.
ગુજરાતના તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. પરિણામે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના કારણે સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલીને 46,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતાં નદીકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાના 5 દિવસ બાદ પણ હજુ અનેક રસ્તાઓ બંધ છે. તો મેદાની વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે હજુ 24 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે ત્યારે આ રાજ્યના લોકોને મેઘકહેરનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.