Video: ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, નૈનીતાલમાં નૈની લેકનું પાણી ઉચ્ચતમ સ્તરે, રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ
ઉત્તરાખંડ (Uttarakhand) માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશમાં તબાહી મચી છે. હવામાન ખાતાએ આજે એટલે કે 19 ઓક્ટોબર માટે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશમાં તબાહી મચી છે. હવામાન ખાતાએ આજે એટલે કે 19 ઓક્ટોબર માટે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથૌરાગઢના 3500 મીટરથી ઊંચા વિસ્તારોમાં બરફવર્ષાની પણ ચેતવણી છે. નૈનીતાલના રામગઢમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
આ ઘટના પર નૈનીતાલના એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ કહ્યું કે રામગઢમાં વાદળ ફાટવાની ઘટના ઘટી છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેટલા લોકો ઘાયલ છે તે હજુ જાણી શકાયું નથી. આ બધા વચ્ચે પ્રશાસને ચારધામ યાત્રા માટે આવેલા તીર્થયાત્રીઓને હરિદ્વાર અને ઋષિકેશમાં રોક્યા છે. હવામાન ચોખ્ખુ થયા બાદ જ તેમને કેદારનાથ, બદ્રીનાથ માટે રવાના કરાશે. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ છે. ટ્રેક્ટરથી લઈને કાર સુધી બધુ પાણીમાં વહેતું જોવા મળી રહ્યું છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
ગંગાએ ઋષિકેશના ઘાટોને પોતાની આગોશમાં લઈ લીધા છે. ખતરાના નિશાનને પાર કરી ચૂકેલી ગંગા એ હદે ડરાવી રહી છે કે પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ છે. સુરક્ષા કારણોસર લોકોને કહી દેવાયું છે કે જીવ બચાવવા માટે સુરક્ષિત વિસ્તારોમાં જતા રહો. ઉત્તરાખંડના નૈનીતાલમાં શિપ્રા નદીએ કહેર વર્તાવેલો છે. આમ તો શાંત રહેતી શિપ્રા નદીના વિકરાળ સ્વરૂપે નદી કિનારે રહેતા લોકોના હોશ ઉડાવી દીધા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલાત જોતા સ્થાનિક રહીશો વચ્ચે ખુબ ડરનો માહોલ છે. પ્રશાસન સતત સ્થિતિ મોનિટર કરી રહ્યું છે. આફતગ્રસ્ત લોકોને તહસીલ અને રાજકીય ઈન્ટર કોલેજમાં હંગામી રીતે શરણ અપાઈ રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube