ઉત્તરાખંડમાં 140થી વધુ ગુજરાતીઓ પ્રવાસે ગયા હોવાની પુષ્ટિ, સરકારે જાહેર કરી હેલ્પલાઇન

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે સરકાર સક્રિય થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. 

Updated By: Oct 19, 2021, 02:54 PM IST
ઉત્તરાખંડમાં 140થી વધુ ગુજરાતીઓ પ્રવાસે ગયા હોવાની પુષ્ટિ, સરકારે જાહેર કરી હેલ્પલાઇન

ગાંધીનગરઃ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હવે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મદદની ખાતરી આપી છે. 

ઉત્તરાખંડમાં 140થી વધુ ગુજરાતી પ્રવાસીઓ હોવાની પુષ્ટિ
રાજ્ય સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા પ્રવાસીઓની મદદ માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. મહત્વનું છે કે ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકો ઉત્તરાખંડમાં આવેલા ભારે વરસાદને કારણે ફસાયા છે. તેમને મદદ માટે રાજ્ય સરકાર સતત સક્રિય છે. ગુજરાતના 110 પ્રવાસીઓ સાથે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. અન્ય 70 પ્રવાસીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

સરકાર મદદ માટે આવી આગળ
કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયેલા ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકાર આગળ આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 07923251900  હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. 

આ પણ વાંચોઃ ગુપ્ત ભાગમાં સંતાડ્યું એક કિલો સોનું, દુબઈથી આવેલી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ

તમામ ગુજરાતીઓ સલામત
રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં તમામ ગુજરાતીઓ સલામત છે. જે પણ ગુજરાતીઓ ત્યાં છે તેના રેસ્ક્યૂ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યનું સ્ટેટ કંટ્રોલ રૂમે ઉત્તરાખંડના તંત્ર સાથે પણ વાત કરી છે અને સતત તેના સંપર્કમાં છે. 

આ નંબર પર કરી શકો છો સંપર્ક
જો તમારા કોઈ પરિવારજનો, સંબંધીઓ કે કોઈ મિત્રો ઉત્તરાખંડના પ્રવાસે હોય તો તમે તેની માહિતી રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમને આપી શકો છો. તે માટે તમે 07923251900 નંબર પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર ગુજરાતીઓને પરત લાવવા માટે સક્રિય થઈ છે. 

આ પણ વાંચોઃ કેદારનાથમાં ફસાયા ગુજરાતીઓ, ટ્વીટ કરી કહ્યું- અમારે અત્યારે મદદની જરૂર છે

રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા
રાજકોટથી ચારધામની યાત્રાએ ગયેલા 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામી અને તેમના પુત્ર પણ ચારધામની યાત્રાએ ગયા છે. તેમણે કહ્યું કે, અહીં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હાલ પણ ભારે વરસાદ ચાલુ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube