હિમાચલ પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ચોંકાવનારી જીત મેળવી  છે. મંગળવારે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા. રાજ્યસભા ચૂંટણી માટે થયેલા મતદાનમાં કોંગ્રેસના જ ધારાસભ્યોએ ખેલ પાડી દીધો. ક્રોસ વોટિંગ કરતા ભાજપના ઉમેદવારના પક્ષમાં મત આપ્યા. કોંગ્રેસના 6 અને અપક્ષો સહિત 9 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં મતદાન કર્યું. પરંતુ રાજ્યસભા ચૂંટણીના પરિણામોની સાથે જ રાજ્યની સુખવિંદર સુખુ સરકાર ઉપર પણ સંકટના વાદળો છવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

68 સભ્યોવાળી હિમાચલ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 25 અને 3 અપક્ષ ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 35 સભ્યોની જરૂર પડે છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને બળવો પોકાર્યો છે. તેમની સાથે 3 અપક્ષો પણ છે. જો આ લોકો ભાજપને પડખે જાય તો કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી જાય અને સુખુ સરકાર સામે બહુમત સાબિત કરવાનું સંકટ ઊભુ થઈ જાય. બુધવારે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં બજેટ પાસ થવાનું છે. આવામાં સરકાર પાસે બહુમત હોવું ખુબ જરૂરી છે. જો સરકાર બજેટ પાસ ન કરાવી શકે તો પડી જશે.


રાજ્યપાલને મળશે ભાજપનું પ્રતિનિધિમંડળ
આજે સવારે  ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા જશે. ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ સરકાર પાસે હવે બહુમત નથી. કારણ કે ગઈ કાલે રાજ્યસભા ચૂંટણીમાં કુલ 9 ધારાસભ્યોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ માટે આ મોટો ઝટકો હશે. એવું પણ કહેવાય છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો સંપર્કમાં નથી. જો આજે રાજભવનમાંથી ભાજપ માટે શુભ સંકેત મળે તો કોંગ્રેસના હાથમાંથી હિમાચલ પણ જઈ શકે છે. સદનમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુર આજે સવારે ગવર્નર શિવપ્રતાપ શુક્લાને મળશે. ભાજપ તરફથી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. 


સૂત્રો મુજબ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો મુખ્યમંત્રીથી નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી બદલવાની માંગણી કરી રહ્યા છે. અનેક વિધાયકોની માંગણી પર સરકાર બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુને હટાવી શકે છે. કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે 40માંથી 26 ધારાસભ્યો સુખ્ખુ વિરુદ્ધ છે અને તેમનું રાજીનામું ઈચ્છે છે. આવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભૂપિન્દર સિંહ હુડ્ડા અને ડી કે શિવકુમારને નારાજ વિધાયકોને મનાવવાની જવાબદારી સોંપી છે. એવું કહેવાય છે કે તેઓ સીએમ સુખ્ખુની કામ કરવાની સ્ટાઈલથી નારાજ છે. 


હિમાચલ પ્રદેશમાં શું છે સમીકરણ
જો 40 ધારાસભ્યોવાળી કોંગ્રેસમાંથી 6 ધારાસભ્યો જતા રહે તો તેના 34 ધારાસભ્યો વધશે જે બહુમત કરતા એક ઓછો છે. જ્યારે 25 સભ્યોવાળા ભાજપને પડખે જો 9 (6 કોંગ્રેસ અને 3 અપક્ષ) ધારાસભ્યો જતા રહે તો તેમની સંખ્યા 34 થઈ જશે. ભાજપને સરકાર બનાવવા માટે વધુ એક ધારાસભ્યની જરૂર પડશે. એવા પણ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે કેટલાક વધુ ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે. જો આમ થયું તો હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરીથી સત્તામાં આવી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube