ભારતમાં ઇન્દિરા ગાંધીએ કેમ લગાવી ઇમરજન્સી?
25-26 જૂન, 1975 દરમિયાન રાત્રે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી
નવી દિલ્હી : 1971ની સામાન્ય ચૂંટણીમાં 'ગરીબી હટાઓ'ના નારા સાથે પ્રચંડ બહુમતી (518માંથી 352 સીટ) મેળવનાર ઇન્દિરા ગાંધીએ એ વર્ષે પાકિસ્તાનને યુદ્ધમાં કારમી હાર આપી હતી અને દુનિયાના નકશામાં બાંગ્લાદેશનું અસ્તિત્વ આવ્યું હતું. કોઈ તબક્કે 'ગુંગી ગુડિયા' તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીને 'માં દુર્ગા' અને 'આર્યન લેડી' ગણાવવામાં આવ્યા. જોકે પછી ગણતરીના દિવસોમાં ઇન્દિરા ગાંધીની સત્તાના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. આખરે 25-26 જૂન, 1975ની મધરાત દરમિયાન દેશમાં ઇમરજન્સી લાદવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.
તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણના આધારે ભારતીય સંવિધાનની ધારા 352 અંતર્ગત 'આંતરિક અશાંતિ'ના કારણોસર દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એને સૌથી વિવાદીત સમય માનવામાં આવે છે. જોકે આ પરિસ્થિતિ ઉભી થઈ એ માટે અનેક કારણો જવાબદાર છે. આ કારણો નીચે પ્રમાણે છે.
1. 1971 પછી રાજકારણમાં ઇન્દિરા યુગની શરૂઆત થઈ ગઈ હતી. આ શરૂઆતના ભાગરૂપે જ સરકાર, ન્યાયતંત્ર અને પ્રેસ પર નિયંત્રણ લાદવાના પ્રયાસ કરવામાં આ્વ્યા હતા.
2. 1973માં 7-6 બહુમતિથી સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી મામલામાં નિર્ણય આપ્યો કે સંવિધાનની મૂળ ભાવના સાથે કોઈ છેડછાડ કરી શકાય નહીં. ન્યાયપાલિકા સાથે કાર્યપાલિકાનો વિવાદ એટલો વધી ગયો કે એક જુનિયર જજને અનેક વરિષ્ઠ જજોની અગણના કરીને ચીફ જસ્ટિસ બનાવી દેવા આવ્યા. આ મામલામાં અનેક જજોએ રાજીનામા આપ્યા હતા.
3. અલ્હાબાદ કોર્ટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીમાં ધમાલ કરવાના મામલે દોષી ગણાવ્યા હતા.
4. 1973માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલની મેસના ચાર્જમા વધારા પછી વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. રાજ્યના શિક્ષા મંત્રી વિરૂદ્ધ શરૂી કરાયેલા આ નવનિર્માણ આંદોલને પછી ભ્રષ્ટાચાર અને આર્થિક સંકટ સામે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું હતું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.
5. આ સમયગાળામાં જ બિહાર છાત્ર સંઘર્ષ સમિતિના આંદોલનન ગાંધીવાદી સમાજવાદી ચિંતક જયપ્રકાશ નારાયણે સમર્થન આપ્યું જેના કારણે રાષ્ટ્રીય સ્તરે ઇન્દિરા ગાંધીની ઇમેજ પર અસર થઈ.
6. સમાજવાદી નેતા રાજ નારાયણે અલ્હાબાદ કોર્ટમાં ઇન્દિરા ગાંધીની 1971ની જીતને પડકારી હતી. ઇન્દિરાએ આ ચૂંટણીમાં રાજ નારાયણને રાયબરેલીથી હરાવ્યા હતા. આ મામલે 12 જૂન, 1975ના દિવસે નિર્ણય દેતા અલ્હાબાદ હાઇ કોર્ટના જજ જગમોહન લાલ સિંહાએ ઇ્ન્દિરા ગાંધીની જીતને અવૈદ્ય ગણાવી હતી. ઇન્દિરાએ આ નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો.
7. 24 જૂન, 1975ના દિવસે જસ્ટિસ વી.કે. કૃષ્ણા ઐયરે આ નિર્ણયને યોગ્ય ગણાવીને સાંસદ તરીકે ઇન્દિરા ગાંધીને મળતી તમામ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમને સંસદમાં વોટ દેવામાંથી બાકાત કરવામાં આ્વ્યા. જોકે તેમને પ્રધાનમંત્રી પદ પર રહેવાની છૂટછાટ આપવામાં આવી.
આ તમામ કારણોએ ઇમરજન્સી લાદવામા મહત્વની ભૂમિકા ભજવી છે.