નવી દિલ્હી: બુધવારે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયું. જનરલ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે કોઈ જૂની પેઢીનું હેલિકોપ્ટર નથી. આજના સમયમાં દુનિયાના 60 દેશ આ સિરીઝના 12 હજારથી વધુ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેમાં ચીન, શ્રીલંકા અને ઈન્ડોનેશિયા જેવા દેશ પણ છે. કારણ કે તેની ગણતરી દુનિયાના સૌથી એડવાન્સ્ડ હેલિકોપ્ટરમાં થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VVIP હેલિકોપ્ટર થયું ક્રેશ
વધુમાં વધુ 250 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડનારું આ હેલિકોપ્ટર કપરી પરિસ્થિતિ અને ખરાબ હવામાનમાં પણ ઓપરેટ કરી શકે છે. તેના લેન્ડિંગ માટે હેલિપેડની જરૂર પડતી નથી. આ ખાડા ટેકરાવાળી જગ્યાએ પણ સરળતાથી ઉતરણ કરી શકે છે તથા મદદ પહોંચાડી શકે છે. તેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન, રેસ્ક્યૂ ઓપરેશન, સર્ચ અભિયાન અને VVIP લોકોને લાવવા લઈ જવા માટે થાય છે અને તેમાં એકવારમાં 3 Crew Members ઉપરાંત 6 લોકો બેસી શકે છે. આ ઉપરાંત આ હેલિકોપ્ટર વધુમાં વધુ 13 હજાર કિલોગ્રામનું વજન ઉઠાવી શકે છે. 


આધુનિક છે આ હેલિકોપ્ટર
સરળ શબ્દોમાં સમજીએ તો આ હેલિકોપ્ટર એટલું આધુનિક છે કે તેનો ઉપયોગ આંખ બંધ કરીને થઈ શકે છે અને આમ થતું પણ હોય છે. પ્રધાનમંત્રી મોદી પણ ઘરેલુ ઉડાણ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સેનામાં પણ VVIP મૂવમેન્ટ માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. રશિયન બનાવટના MI સિરીઝના 150 હેલિકોપ્ટર હાલ ભારત પાસે છે અને આ હેલિકોપ્ટર વધુ જૂના નથી. ભારતને 2011થી 2018 બાદ આ તમામ હેલિકોપ્ટર મળેલા છે. પરંતુ વિચારો કે આ કેટલું અપમાનનો વિષય છે કે ભારતના ઈતિહાસના પહેલા CDS નું તેમના જ હેલિકોપ્ટરમાં મૃત્યુ થઈ જાય છે. 


ભારતીય સેનામાં વિમાન ક્રેશની આટલી ઘટનાઓ કેમ ઘટે છે?
વર્ષ 1948થી 2021 વચ્ચે એટલે કે છેલ્લા 73 વર્ષમાં સેનાના 1751 એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યા છે. એટલે કે એ હિસાબે દર વર્ષે સરેરાશ 24 અને દર મહિને સેનાના 2 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય છે. જો વાત ફક્ત વર્ષ 1994થી 2014 વચ્ચેની કરીએ તો આ દરમિયાન ભારતીય સેનાના 394 એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર ક્રેશ થયા છે. એટલે કે આ દરમિયાન દર વર્ષે સરેરાશ 20 વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા. 


વિમાન ક્રેશ થવાની ઘટનાઓ ઓછી થતી નથી
તેનો અર્થ એ થયો કે ભારતમાં વિમાન ક્રેશ થવાનો સિલસિલો હજુ પણ બદલાયો નથી. આઝાદી બાદ શરૂઆતી વર્ષોમાં પણ આ પ્રકારે સેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા હતા અને હવે આધુનિકતાના દૌરમાં પણ આ દુર્ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. જ્યારે બીજા દેશોમાં આવું નથી. દાખલા તરીકે ભારત, રશિયા, ચીન ત્રણેય દેશો સુખોઈ ફાઈટર વિમાનો વાપરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભારતમાં વર્ષ 2009થી 2015 વચ્ચે આ વિમાન 6 વાર ક્રેશ થયું. જ્યારે આ જ સમયગાળામાં રશિયા અને ચીનમાં આ વિમાનના ક્રેશ થવાની 1 કે 2 ઘટનાઓ જ સામે આવી. જ્યારે આ દેશો પાસે ભારત કરતા વધુ સુખોઈ ફાઈટર વિમાનો છે. 


જે ક્યાંય ક્રેશ ન થયું તે ભારતમાં થયું
થોડા વર્ષો પહેલા ભારતે દુનિયાનો સૌથી આધુનિક અને સૌથી મોટું ટ્રાન્સપોર્ટ વિમાન C130-J સુપર હરક્યુલ્સ ખરીદ્યુ તું. તે સમયે અમેરિકા પાસેથી આવા 6 વિમાન ખરીદવામાં આવ્યા હતા. જેની કિંમત 7 હજાર કરોડ રૂપિયા હતી. એટલે કે એક વિમાન લગભગ 1150 કરોડ રૂપિયાનું હતું. આ વિમાનોની ખાસિયત એ હતી કે તેને લેન્ડિંગ માટે એરસ્ટ્રિપની જરૂર પડતી નથી અને તે દરેક મોસમમાં ઓપરેટ કરી શકાય છે. અમેરિકાની જે કંપનીએ આ વિમાનને બનાવ્યું તે કહે છે કે આ વિમાનને એ રીતે ડિઝાઈન કરાયું છે જેથી કરીને મુશ્કેલ સમયમાં પણ ક્રેશ થવાથી પોતાને બચાવી શકે અને ભારતને બાદ કરતા જે દેશોમાં આ એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે ત્યાં તેના ક્રેશ થવાની કોઈ ઘટના સામે આવી નથી. પરંતુ ભારતના મામલામાં તસવીર અલગ છે. ભારતમાં વર્ષ 2014માં જ એક C-130J સુપર હરક્યુલ્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને ભારત સરકારે પોતાના તપાસ રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ અકસ્માત પાઈલટની ભૂલના કારણે થયો હતો. કારણ કે તેની ટ્રેનિંગમાં થોડી કમી હતી. વર્ષ 2017માં પણ આ સિરીઝનું એક વધુ વિમાન ગડબડીના કરાણે લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વિચારો કે જે વિમાન અન્ય કોઈ દેશમાં ક્રેશ ન થયું તે ભારતમાં ક્રેશ થયું. 



સેનાના વિમાન જ વધુ થાય છે ક્રેશ
ભારતમાં પ્રતિ દિન 4 થી 5 હજાર મુસાફર વિમાન ઉડાણ ભરે છે. જેમાં લાખો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાયછે. જ્યારે એક અંદાજ મુજબ સેનામાં પ્રતિ દિવસ ટ્રેનિંગ અને અન્ય કામો માટે ફક્ત 200 વિમાન જ ઉડાણ ભરે છે. જો કે આ સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે. પરંતુ આમ છતાં મુસાફર વિમાનોની સરખામણીમાં સેનાના વિમાન વધુ ક્રેશ થાય છે. વર્ષ 1945થી 2021 વચ્ચે છેલ્લા 76 વર્ષોમાં 95 મુસાફર વિમાનો જ ક્રેશ થયા છે. જ્યારે આ જ સમયગાળામાં સેનાના 1751 વિમાન ક્રેશ થયા છે. 


ક્રેશ વિમાનોની સિરીઝ શું હોય છે
કોઈ પણ દેશમાં જ્યારે કોઈ મુસાફર વિમાન ક્રેશ થાય છે ત્યારે તે વિમાનમાં ટેક્નિકલ ખામીઓની તરત તપાસ થાય છે અને અનેક મામલામાં તપાસ થવા સુધીમાં તે સિરીઝના મુસાફર વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાય છે. જેમ કે 2018માં Boeing 737 Max સિરીઝના બે મુસાફર વિમાન ક્રેશ થયા હતા ત્યારબાદ ભારત સહિત મોટાભાગના દેશોએ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. લગભગ 1.5 વર્ષ સુધી આ વિમાન રનવે પર ઊભા રહેતા હતા. પરંતુ સેનામાં આ પ્રક્રિયાને અપનાવવામાં આવતી નથી. દાખલા તરીકે ભારતમાં વર્ષ 2012 સુધીમાં મિગ સિરીઝના 972માંથી 482 વિમાન ક્રેશ થયા. એટલે કે અડધા કરતા વધુ વિમાનો સમય સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા. પરંતુ આમ છતાં આ વિમાનોનો ઉપયોગ અનેક દાયકા સુધી થયો. 


(અહેવાલ સાભાર- ડીએનએ એનાલિસિસ, સુધીર ચૌધરી)