નવી દિલ્હીઃ તાલિબાનના કબજામાં આવ્યા પછી અફઘાનિસ્તાનું ભવિષ્ય ખતરામાં છે. રાજધાની કાબુલ પર તાલિબાનના કબજાની સાથે જ આખા અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનું નિયંત્રણ પાક્કું થઈ ગયું છે. જેના કારણે અફઘાનિસ્તાનનું ભવિષ્ય ખતરામાં છે. અફઘાનના રાષ્ટ્રપતિ અને તેમના મોટા નેતાઓ-અધિકારી દેશ છોડીને જતાં રહ્યા છે... આ દેશનું હવે શું થશે તે કોઈ જાણતું નથી અને ભારતના માથા પર ચિંતા વધી રહી છે. 3 બિલિયન ડોલર એટલે કે 22,500 કરોડ રૂપિયાના રોકાણ પછી હવે તે બધા પ્રોજેક્ટ્સ અધ્ધરતાલ થઈ ગયા છે. જેના પર ભારત અને અફઘાન સંબંધોની જવાબદારી હતી. ભારતે અહીંયા દરેક સેક્ટરમાં મોટી રકમનું રોકાણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેમથી લઈને સ્કૂલ અને સબ-સ્ટેશન સુધી:
ભારતે તાલિબાનના રસ્તાનું નિર્માણ કરાવ્યું, ડેમ બનાવ્યા, વિજળીની લાઈનોથી લઈને સબસ્ટેશન, સ્કૂલ અને હોસ્પિટલોનું નિર્માણ કરાવ્યું. 3 બિલિયન ડોલરની મદદની સાથે ભારતે અફઘાનિસ્તાનને ફરીથી ઉભું થવામાં સહાયતા આપી. ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે વર્ષ 2011માં ભારત-અફઘાનિસ્તાન સ્ટ્રેટેજિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.


આ પણ વાંચોઃ પહેલાં રશિયા અને બાદમાં અમેરિકાની પીછે હઠથી તાલિબાનીઓએ 2 વાર મેળવી અફઘાનિસ્તાનમાં સત્તા  


શું હતી સમજૂતી:
આ સમજૂતીમાં ભારતે અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ટર, સંગઠન, શિક્ષા અને ટેકનિકલ સ્તરે મદદ કરવાનો વાયદો કર્યો હતો. સાથે જ ડ્યૂટી ફ્રી માર્કેટ પણ અફઘાનિસ્તાન માટે ખોલવાનો વિશ્વાસ આપ્યો. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર 2020માં જિનીવામાં થયેલ અફઘાનિસ્તાન કોન્ફરન્સમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનનો કોઈપણ ભાગ એવો નથી જેને ભારતે સ્પર્શ ન કર્યો હોય.


1. સલમા ડેમ:
હેરાત પ્રાંતમાં ભારત તરફથી સલમા ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 42 મેગાવોટની ક્ષમતાવાળું આ એક હાઈડ્રોપાવર અને સિંચાઈનો પ્રોજેક્ટ છે. અનેક અડચણ છતાં આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન વર્ષ 2016માં થયું હતું. અને તેને અફઘાન-ભારત દોસ્તી ડેમ તરીકે ઓળખાય છે. હેરાત પ્રાંત અફઘાનિસ્તાનનો સૌથી ખતરનાક વિસ્તાર માનવામાં આવે છે. આ ડેમની આજુબાજુના વિસ્તારો પર હવે તાલિબાનનો કબજો છે.


2. જરાંજ-દેલારામ હાઈવે:
આ પણ એક હાઈ પ્રોફાઈલ પ્રોજેક્ટ હતો જેને ભારતે 218 કિલોમીટર લાંબો જરાંજ-દેલારામ હાઈવેનું નિર્માણ કરાવ્યું હતું. આ હાઈવેને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી તૈયાર કરવામાં આવ્યો છે. જરંજ અફઘાનિસ્તાનમાં ઈરાન બોર્ડર પાસેથી પસાર થાય છે. આ હાઈવેના નિર્માણમાં 150 મિલિયન ડોલરનો ખર્ચ થયો. હાઈવે ખાસ રૂદ નદીની બાજુમાંથી પસાર થઈને જરંજ સુધી જાય છે. હાઈવે દક્ષિણમા કંધારથી પૂર્વમાં ગજની અને કાબુલથી, ઉત્તરમાં મજાર-એ-શરીફ અને પશ્વિમમાં હેરાત પ્રાંત સાથે જોડાય છે.


આ પણ વાંચોઃ બાઈડેને ગની પર દોષનો ટોપલો ઢોળ્યો, કહ્યું- લડ્યા વગર જ અફઘાનિસ્તાન છોડી ભાગી ગયા


3. કાબુલમાં સંસદ:
90 મિલિયન ડોલરના ખર્ચથી ભારતે અફઘાનિસ્તાનની સંસદનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષ 2015માં પ્રધાનમંત્રી મોદીએ કાબુલમાં તેનું ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીએ તેમના ઉદ્ધાટનના સમય પોતાના ભાષણમાં રૂમીનો ઉલ્લેખ કર્યો અને ભારત-અફઘાનિસ્તાનની દોસ્તી વિશે અનેક વાત કહી. રૂમી અફઘાનિસ્તાનના બાલ્ખ પ્રાંતના જાણીતા કવિ હતા. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં લોકતંત્ર માટે માટે ભારતના રોલનો ઉલ્લેખ કર્યો હતો. આ સંસદમાં એક બ્લોકનું નામ પૂર્વ ભારતીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.


4. સ્ટોર પેલેસ:
વર્ષ 2016માં અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને પીએમ મોદીએ કાબુલમાં સ્ટોર પેલેસનું ઉદ્ધાટન કર્યું હતું. આ મહેલનું નિર્માણ 19મી સદીમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 1919માં રાવલપિંડી સમજૂતીમાં આ મહેલને આધાર માનવામાં આવ્યો હતો. આ સમજૂતી અંતર્ગત અફઘાનિસ્તાન એક સ્વતંત્ર દેશ બની ચૂક્યો હતો. આ બિલ્ડિંગમાં વર્ષ 1965 સુધી અફઘાન વિદેશ મંત્રી અને મંત્રાલયની ઓફિસ હતી. વર્ષ 2009માં ભારત, અફઘાનિસ્તાન અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની વચ્ચે એક સમજૂતી કરવામાં આવી હતી. જેમાં મહેલનું ફરીથી નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું. વર્ષ 2013થી 2016ની વચ્ચે આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચરે આ પ્રોજેક્ટનો પૂરો કર્યો.


5. પાવર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ:
ભારતે જે બીજા પ્રોજેક્ટ્સ અફઘાનિસ્તાનમાં શરૂ કર્યા. જેમાં પુલ-એ-ખુમરીથી કાબુલના ઉત્તરમાં જનારી 220 કેવી ટ્રાન્સમિશન લાઈન પાથરવા જેવા પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.


6. હેલ્થ સેક્ટર:
ભારતે કાબુલમાં વર્ષ 1972માં બાળકોની હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. 1985માં તેનું નામ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યૂટ રાખવામાં આવ્યું. ત્યાં ઈન્ડિયન મેડિકલ મિશન્સે અનેકવાર મફતમાં સલાહ આપવાનું કામ કર્યું. હજારો લોકો જે યુદ્ધમાં પોતાના અંગ ગુમાવી ચૂક્યા છે, તેમને કૃત્રિમ અંગ લગાવવામાં આવ્યા. ભારતે તે સિવાય બદાખાશાન, બાલ્ખ, કંધાર, ખોસ્ત, કુનાર, નનગરહાર પ્રાંત, નિમરુઝ, નૂરીસ્તાન, પાકટિયા વગેરેમાં ક્લિનિક્સનું નિર્માણ કર્યું.


7. પરિવહન:
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતે અફઘાનિસ્તાનને 400 બસ અને 200 મિની બસ શહેરી ટ્રાન્સપોર્ટેશન માટે આપી હતી. તે સિવાય 105 યુટિલિટી વ્હીકલ્સ, અફઘાન નેશનલ આર્મી માટે 285 મિલિટરી વ્હીકલ્સ અને પાંચ શહેરમાં હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ આપી હતી. આ સિવાય એર ઈન્ડિયાના 3 એરક્રાફ્ટ પણ ગિફ્ટ આપવામાં આવ્યા હતા. તો એક MI-24 યુદ્ધ હેલિકોપ્ટર આપ્યું હતું.


આ પણ વાંચોઃ Afghanistan: રાષ્ટ્રપતિ ગની હેલિકોપ્ટર અને 4 કારમાં પૈસા લઇને ભાગ્યા, PAK PM એ કહી આ વાત


8. બીજા અનેક પ્રોજેક્ટ:
ભારતે આ સિવાય સ્કૂલો માટે ડેસ્ક અને બેન્ચ આપી. સાથે જ અનેક ગામમાં સોલર પેનલ્સનું નિર્માણ કરાવ્યું. કાબુલમાં શુલભ શૌચાલયથી લઈને વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ, અફઘાન વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ્સથી લઈને સિવિલ સર્વિસ અંતર્ગત કાર્યક્રમો પર નજર રાખવી અને ડોક્ટરોની સાથે કેટલાંક બીજા સેક્ટર્સના લોકોને ટ્રેનિંગ પણ આપી.


9. કયા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ:
નવેમ્બર 2020માં જિનીવામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનની સાથે કાબુલ જિલ્લામાં શહતૂત ડેમ માટે સમજૂતી કરી છે. આ ડેમ દ્વારા 20 લાખ નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવશે. સાથે જ એ વાતની જાહેરાત કરવામાં આવી કે 80 મિલિયન ડોલરના ખર્ચથી લગભગ 100 કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને પણ શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે ભારતે આગા ખાન હેરિટેજ પ્રોજેક્ટ માટે 1 મિલિયન ડોલર આપવાનો વાયદો કર્યો હતો.


10. ઐતિહાસિક સ્થાપત્યો માટે સહાય:
આ સિવાય કાબુલના દક્ષિણમાં હિસાર કિલ્લાને ફરીથી બનાવવા માટે કહ્યું છે જે 6ઠી સદી સાથે જોડાયેલો છે. બાલા હિસાર મુગલ કાલીન સભ્યતાનો કિલ્લો છે. અને તેના કેટલાંક ભાગનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું. કહેવાય છે કે એક સમયમાં આ કિલ્લો શાહજહાંનું ઘર હતું. ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે આ સમયે બે એર કોરિડોર્સ છે. આ કોરિડોર્સ કાબુલ-દિલ્લી અને હેરાત-દિલ્લી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube