નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટનું જોખમ ભારતમાં એ હદે વધી રહ્યું છે તેનો અંદાજો તમે આંકડાથી લગાવી શકો છો. સૌથી પહેલા કર્ણાટકના બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ મળ્યાં હતા. પરંતુ હવે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનને પહોંચી વળવા માટે સરકાર તરફથી તમામ ઉપાય થઈ રહ્યા છે. કોશિશ કરાઈ રહી છે કે આ વાયરસને કોઈ પણ રીતે ફેલાતો રોકવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના અનેક રાજ્યોમાં મળ્યા ઓમિક્રોનના કેસ
એક દિવસમાં 17 કેસ? જી હા. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું ભારતમાં આ જ સત્ય છે. આ આંકડા દર્શાવે છે કે ભલે તેને રોકવાની ગમે તેટલી કોશિશ કરો પરંતુ બિલ્લી પગે તે દેશના અલગ અલગ રાજ્યોમાં પગ પેસારો કરી રહ્યો છે. 9 હજાર કિલોમીટર દૂર દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને ઓમિક્રોન ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યો છે. 


રાજસ્થાનમાં ઓમિક્રોનના 9 કેસ મળતા હડકંપ
સૌથી તાજો મામલો રાજસ્થાનના જયપુરનો છે. અહીં 9 સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. ચિંતાની વાત એ છે કે તેમાંથી 4 લોકો એક જ પરિવારના છે. આ લોકો 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. રાજસ્થાન સરકારના જણાવ્યાં મુજબ હાલ કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ ચાલુ છે. 


મહારાષ્ટ્રમાં મળ્યા 7 કેસ
આ બાજુ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ મળી આવ્યા છે. નવા સંક્રમિતોમાં 44 વર્ષની ભારતીય મૂળની નાઈજીરિયન મહિલા પણ છે. તે તેની 12 વર્ષ અને 18 વર્ષની બે પુત્રીઓ સાથે 24 નવેમ્બરના રોજ પુણે નજીક પિંપરી ચિંચવડમાં તેના ભાઈને મળવા નાઈજીરિયાના લેગાસથી આવી હતી. તેના પરિવારના 6 લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. ખાસ વાત એ છે કે આ 6 લોકોમાં થી 3 લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેમણે કોરોનાની રસી લીધી નથી. ઓમિક્રોનનો 7મો કેસ પુણેથી છે. 47 વર્ષના એક વ્યક્તિ 25 નવેમ્બરના રોજ ફિલેન્ડથી ભારત પાછા ફર્યા હતા. 29 નવેમ્બરે તેમની તપાસ કરાઈ અને રિપોર્ટ  પોઝિટિવ આવ્યો. ડોમ્બિવલીમાં એક કેસ ગત અઠવાડિયે મળી ચૂક્યો હતો. 


અત્રે જણાવવાનું કે રસીકરણ પર આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર ગ્રુપની એક મહત્વની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં નબળી ઈમ્યુનિટીવાળા લોકોને રસીના વધારાના ડોઝ ઉપરાંત બાળકોને રસી પર ચર્ચા થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે તેલંગણામાં જાન્યુઆરી-ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના કેસ વધી શકે છે. 


કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ પર સતત સ્ટડી ચાલુ છે. જો કે અત્યાર સુધીમાં જે જાણકારી સામે આવી છે તેના આધારે એક્સપર્ટ કહી રહ્યા છે કે તેના નેચરને સમજવા થોડો સમય વધુ લાગશે. ત્યાં સુધી બચાવ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ એકમાત્ર વિકલ્પ છે. 


ભારતમાં કોરોનાની સ્થિતિ
કોરોનાના નવા કેસ અંગે વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે. જ્યારે 8,834 લોકો રિકવર થયા છે. હાલ દેશમાં 98,416 લોકો સારવાર હેઠળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube