#MeToo : એમ.જે. અકબરનો બચાવ, બીજેપીના મહિલા નેતાની જીભ લપસી
મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબર પર અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો છે
નવી દિલ્હી : #Metoo અભિયાન અંતર્ગત નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબર પર અનેક મહિલાઓએ જાતીય સતામણીના આરોપ મૂક્યા છે. હવે આ મામલે મધ્યપ્રદેશ મહિલા આયોગે એમ.જે. અકબરનો બચાવ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અધ્યક્ષ લતા એલકરે કહ્યું છે કે 'હું મહિલા પત્રકારોને નિર્દોષ નથી માનતી. ભુલ બંનેથી થઈ હશે. તેઓ એટલી નિર્દોષ નહીં હોય કે કોઈ તેમનો ગેરલાભ ઉઠાવી શકે.'
લતા એલકરે કહ્યું છે કે અમે એમ.જે. અકબરનું રાજીનામું શું કામ માગીએ? કોંગ્રેસને એની જરૂર હશે તો માગશે. જોકે પછી વાતને સંતુલિત કરીને તેણે વાત વાળી લેતા કહ્યું છે કે હું આ કેમ્પેઇનનું સ્વાગત કરું છું. આ કેમ્પેઇને મહિલાઓને પોતાના ભયાનક અનુભવો શેયર કરવાનું સાહસ આપ્યું છે અને જે મામલાઓ જાહેર થયા છે એની તપાસ તેમજ કાર્યવાહી થવી જોઈએ.
#Me Too : સાજીદના હાથમાંથી સરકી હાઉસફૂલ-4, આ પણ વાંચો
આ મામલે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોઈપણ વ્યક્તિનું નામ લીધા વગર કહ્યું છે કે જે સજ્જનનું નામ લેવામાં આવી રહ્યું છે તેમણે પોતાનું નિવેદન જાહેર કરવું જોઈએ. રક્ષા મંત્રી નિર્મલા સિતારમને પણ #metoo કેમ્પેઇનમાં શામેલ થનાર મહિલાઓનું સમર્થન કર્યું છે. હાલમાં કેન્દ્રિય મહિલા તેમજ બાલ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે રાજનેતાઓ પર લાગેલા તમામ આરોપની તપાસ થવી જોઈએ.