RSSના વિચારો સાથે હું સહમત નથી, પરંતુ તેમના કમિટમેન્ટનો પ્રશંસક છું: નીતિશકુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિચારો સાથે સહમત નથી પરંતુ તેમના નિયમિતપણે કામ કરવાની રીતભાતના તેઓ પ્રશંસક છે.
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિચારો સાથે સહમત નથી પરંતુ તેમના નિયમિતપણે કામ કરવાની રીતભાતના તેઓ પ્રશંસક છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં અપરાધિક ઘટનાઓમાં ઘટાડો થયો છે અને રાજ્યમાં ન્યાયની સાથે વિકાસ થઈ રહ્યો છે. પટણામાં એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આરએસએસના આઠ ભાગોમાંથી એક જ ભાગને દેખાડવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આરએસએસના વિચારો સાથે તેઓ સહમત નથી પરંતુ સમગ્ર દેશમાં આરએસએસનો જનાધાર વધ્યો છે, જેનાથી ઈન્કાર કરી શકાય નહીં.
VIDEO: આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું- BSP નેતાનું વિવાદિત નિવેદન
તેમણે પોતે રામ મનોહર લોહિયા, મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણના વિચારોથી પોતાને પ્રભાવિત ગણાવતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કા તો કોર્ટના ચુકાદા બાદ થવું જોઈએ અથવા તો આપસી સહમતિથી બનવું જોઈએ.
તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પહેલા ભાજપનો સાથ છોડ્યો હતો, અને હવે ભાજપની સાથે કેમ? જવાબ આપતા તેમણે કહ્યું કે પરિસ્થિતિઓ અને વિચારમાં પરિવર્તન આવ્યું છે. નીતિશકુમારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કામ કરી રહ્યો છું. પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અમારી જૂની સહયોગી પાર્ટી રહી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર જે સ્ટેન્ડ અમારું પહેલા હતું, તે આજે પણ છે.
તેમણે કહ્યું કે તમામ પાર્ટીઓના પોત પોતાના વિચાર છે પરંતુ જ્યારે સાથે મળીને સરકાર ચલાવે છે તો પછી બધાએ મળીને કામ કરવાનું હોય છે. નીતિશકુમારે આરજેડી સાથે જવાની વાતને પોતાની ભૂલ ગણાવતા કહ્યું કે કેટલીક પરિસ્થિતિઓ એવી બની ગઈ હતી કે આમ થઈ ગયું. જે મહાગઠબંધનથી નીકળીને અમે લોકો બહાર થયા હતાં તેનું નામકરણ પણ અમે જ કર્યું હતું.
PM મોદીની 'નમો એપ' પર થઈ રહ્યો છે મોટો સર્વે, મહાગઠબંધન અંગે પૂછાયો ખુબ મહત્વનો સવાલ
બિહારમાં દારૂબંધીની ચર્ચા કરતા તેમણે કહ્યું કે બિહારમાં સામાજિક જાગરૂકતાનું કામ સતત ચાલુ છે. બિહાર અને ગુજરાતમાં દારૂબંધી અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં દારૂબંધી લાગુ થવી જોઈએ. તેમણે દારૂબંધીથી લોકોના જીવનસ્તરમાં ઘણો સુધારો થયો હોવાનો દાવો કરતા કહ્યું કે તેનાથી મહિલાઓમાં આનંદ છે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જેડીયુ કૌટુંબિક પાર્ટી નથી, લોકો જે ઈચ્છશે તે જ પાર્ટીનો અધ્યક્ષ બનશે. રાફેલ ડીલમાં ગડબડી અંગે શું તેઓ કેન્દ્રને ક્લિન ચીટ આપશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે હું એટલો મોટો માણસ નથી કે કોઈને ક્લિન ચીટ આપું કે ન આપું. તેનો અધિકાર મારી પાસે નથી. રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી ચૂકી છે અને સંસદમાં ચર્ચા થઈ ગઈ છે તો પછી હવે તેની ચર્ચા બંધ થવી જોઈએ.