Smriti Irani Defamation Case: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી દાખલ થયેલા બદનક્ષી મામલે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટ્ટા ડિસૂઝાને સમન પાઠવ્યું છે. સ્મૃતિ ઈરાનીએ તેમના પુત્રી વિરુદ્ધ આ જયરામ રમેશ, પવન ખેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોના પગલે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકની અંદર હટાવવી પડશે ટ્વીટ
દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતાઓને 24 કલાકની અંદર સોશિયલ મીડિયા પરની પોતાની ટિપ્પણીઓ હટાવવા કહ્યું છે અને જો તેઓ ન હટાવે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ ટિપ્પણીઓ હટાવે એમ જણાવ્યું છે. સ્મૃતિ ઈરાનીએ માનહાનિનો આરોપ લગાવતા 2 કરોડના વળતરની પણ માંગણી કરી છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ લગાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈરાનીને તત્કાળ મંત્રીમંડળમાંથી હટાવવાની માંગણી કરી હતી. ત્યારબાદ સ્મૃતિ ઇરાનીએ આ કાર્યવાહી કરી. 


તથ્યોની ચકાસણી વગર આરોપ લગાવ્યા-HC
આ મામલે જસ્ટિસ મિની પુષ્કરણાએ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ મને લાગે છે કે તથ્યોની તપાસ કર્યા વગર (સ્મૃતિ ઈરાની અને તેમના પુત્રી વિરુદ્ધ) આ આરોપ લગાવવામાં આવ્યા છે. જેનાથી ફરિયાદકર્તાની પ્રતિષ્ઠાને ખરેખર નુકસાન થયું છે. આથી કોર્ટ ટ્વિટર, યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, પર ઉપલબ્ધ પ્રેસ કોન્ફરન્સમાં લગાવવામાં આવેલા આરોપોને તરત હટાવવાના નિર્દેશ આપે છે. 


જયરામ રમેશનું નિવેદન
કોર્ટે સમન પાઠવ્યા બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે 'તેઓ તથા આ મામલે સામેલ અન્ય કોંગ્રેસ નેતાઓ કોર્ટ સામે તમામ તથ્યો રજૂ કરશે અને કેન્દ્રીય મંત્રી દ્વારા આ મામલાને ભટકાવવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે નોટસિ પાઠવીને અમને કહ્યું છે કે સ્મૃતિ ઈરાની તરફથી દાખલ અરજી પર અમે ઔપચારિક રીતે જવાબ આપીએ. અમે કોર્ટ સમક્ષ તથ્યો રજૂ કરવા માટે ઉત્સુક છીએ. સ્મૃતિ ઈરાની જે પ્રકારે મામલાને ભટકાવવાની કોશિશ કરે છે તેને અમે પડકારીશું અને નિષ્ફળ બનાવીશું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube