ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ ગુરુવારે 14 રાજ્યોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તોફાની પવન અને ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં બનેલા ડિપ્રેશનના કારણએ દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં ઉત્તરી મધ્ય પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં પૂર આવી શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં નવું ડિપ્રેશન બનવાથી ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે. બિહારના વિવિધ જિલ્લાઓમાં યલ્લો અને ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી અને પશ્ચિમી મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં અચાનક પુર આવવાની ચેતવણી આપી છે. 


ભારે વરસાદની સ્થિતિ કેમ
મધ્ય ભારતમાં ઊભા થયેલા ડિપ્રેશનના કારણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ડિપ્રેશન ગ્વાલિયર પાસે શહેરથી લગભગ 50 કિમી ઉત્તરમાં અને આગ્રાથી 60 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. ખાનગી હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઈમેટે  કહ્યું કે આગામી 24 કલાકમાં તે ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. 


યુપીમાં ભારે  કહેર
યુપીમાં બે દિવસથી ભારે વરસાદના કારણે 23 લોકોના જીવ ગયા. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. છેલ્લા 24 કલાકમાં હાથરસમાં સૌથી વધુ 186 મિમી વરસાદ પડ્યો. બુલંદ શહેર અને સંભલમાં શુક્રવારે કક્ષા એકથી 12 સુધી તમામ શાળાઓ બંધ કરવાના આદેશ અપાયા છે. 


ઉત્તરાખંડમાં 10 જિલ્લામાં રેડ એલર્ટ
ઉત્તરાખંડમાં ગુરુવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કાશીપુરમાં દીવાલ પડવાથી 15 લોકો ઘાયલ થયા. શુક્રવારે કુમાઉ મંડલના તમામ અને ગઢવાલ મંડલના 3 જિલ્લામાં 1 થી 12 ધોરણ સુધીની શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે. પિથૌરાગઢમાં દારમા ઘાટીમાં ગુરુવારે બપોરે 11820 ફૂટની ઊંચાઈ પર આવેલા સીપુમાં સીઝનની પહેલી બરફ વર્ષા થઈ. સતત વરસાદના કરાણે ત્રણ હજાર કેદારનાથ મુસાફરોને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ભારે વરસાદથી એએચ, સ્ટેટ હાઈવે સહિત 151 રસ્તાઓ ખોરવાયા છે. 


બિહારના નવાદા, ગયા, જમુઈ, બાંકા, મુંગેર અને લખીસરાયમાં ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરના રોજ કૈમૂર, રોહતાસ, ગયા, ઔરંગાબાદ, અરવલ, જહાનાબાદ, ભોજપુર, બક્સર, નાલંદા, શેખપુરા, લખીસરાય, તથા મુંગેરમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ છે. હરિયાણામાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. 


ગુજરાત માટે આગાહી
ગુજરાત માટે વાત કરીએ તો રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રી નો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે.