Fog Update: દેશભરમાં ઠંડી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે લોકોની હાલત ખરાબ છે. આમ છતાં ધુમ્મસ બિલકુલ દેખાતો નથી. હવે હવામાન વિભાગે આનું ચોંકાવનારું કારણ આપ્યું છે. હવામાન શાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ધુમ્મસ દેખાતો નથી અથવા તો ઓછો છે. પરંતુ આ વરસાદથી ઠંડીમાં ચોક્કસ વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર સોમવાર અને મંગળવારે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો. આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


લખનૌમાં હળવો વરસાદ
બુધવારે લખનૌમાં 0.5 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે દિવસનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 14 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સમયે આછો તડકો પડતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જેના કારણે લોકોએ ક્રિસમસના અવસર પર હવામાનની મજા માણી હતી. ગોમતીનગરના રહેવાસી દેવેન્દ્ર વર્માએ જણાવ્યું કે, વરસાદ પછી સૂરજ બહાર આવતાં ક્રિસમસની ઉજવણીની મજા બમણી થઈ જાય છે.


બરફવર્ષા જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ
પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાં ક્રિસમસની પૂર્વસંધ્યા પર મંગળવારે ભદ્રવાહમાં એટલો બરફ વરસ્યો કે રજાઓનો આનંદ માણવા આવેલાં લોકો માટે આ પૈસા વસૂલ ટ્રીપ બની ગઈ. બરફવર્ષા જોઈને તેઓ બોલી ઉઠ્યા કે અમારી બરફ જોવાની ઈચ્છા પૂરી થઈ ગઈ. 


જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના પગલે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. પહાડો બરફમય બની ગયા છે અને આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. જેને જોઈને પ્રવાસીઓના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે.  પહાડો પર સતત હિમવર્ષાથી ઠંડીમાં પણ વધારો થયો છે. જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી ઠંડા પવનો લોકોને ધ્રૂજાવી રહ્યા છે. 


27 ડિસેમ્બરથી ફરી વરસાદની શક્યતા
હવામાન શાસ્ત્રી અતુલ કુમાર સિંહે જણાવ્યું કે, ઉત્તરપ્રદશમાં 27 ડિસેમ્બરથી ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, 29 ડિસેમ્બર પછી ઠંડી વધુ તીવ્ર બની શકે છે. જેના કારણે દિવસ દરમિયાન શીત લહેરની અસર જોવા મળી શકે છે.


ખેડૂતો માટે એલર્ટ જાહેર
હવામાન વિભાગે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી છે. સંભવિત વરસાદ અને બરફ વર્ષાના કારણે પાકને નુકસાન થઈ શકે છે. વિભાગે ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવાની ચેતવણી આપી છે.