`ગર્ભવતી` યુવકનો રિપોર્ટ જોઈને ડોક્ટરને આવી ગયા ચક્કર, જાણો શું છે સમગ્ર બાબત
ભિંડ જિલ્લાના 40 વર્ષના એક યુવકને તાવ આવ્યો હતો. આથી ડોક્ટરે તેને તાવ માટે મેલેરિયા અને ટાઈફોડનો રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું.
ભિંડ (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના એક ગામમાં એક યુવક સાથે વિચિત્ર ઘટના ઘટી. આ યુવક જ્યારે તેણે કરાવેલો તાવનો રિપોર્ટ લઈને ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે ડોક્ટર રિપોર્ટ જોઈને ચોંકી ગયા હતા. રિપોર્ટમાં લેબોરેટરીએ યુવકને 'ગર્ભવતી' જાહેર કરી દીધો હતો. યુવકે ગુસ્સામાં તેનો રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભિંડ જિલ્લાના 40 વર્ષના એક યુવકને તાવ આવ્યો હતો. આથી ડોક્ટરે તેને તાવ માટે મેલેરિયા અને ટાઈફોડનો રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું. યુવક ભિંડથી 12 કિમી દૂર ફૂપ ગામમાં આવેલી શ્યામ પેથોલોજીમાં શનિવારે રિપોર્ટ કરાવવા પહોંચ્યો હતો. લેબોરેટરીએ કરેલો લોહીનો રિપોર્ટ લઈને યુવક ડોક્ટર પાસે પહોંચ્યો હતો.
ડોક્ટર તેનો આ રિપોર્ટ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. કેમ કે, લેબોરેટરીના રિપોર્ટમાં તાવથી પીડિત યુવકને 'ગર્ભવતી' જણાવાયો હતો. આથી યુવકે ગુસ્સામાં આવીને લેબોરેટરીનો આ રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ રિપોર્ટ સરકારી તંત્રના ધ્યાનમાં આવી ગયો હતો. આથી ભિંડના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) ડો. જે.પી.એસ. કુશવાહાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં લેબોરેટરીમાં રેડ પાડી હતી. આરોગ્ય વિભાગની ટીમે લેબોરેટરીને સીલ મારી દીધું અને હવે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
જૂઓ LIVE TV....