ભારતમાં નવા વર્ષે દુનિયાના દેશોની સરખામણીએ સૌથી વધુ બાળકોનો જન્મઃ UNICEF
UNICEFના જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્મેલા કુલ 3,95,072 બાળકોની સરખામણીએ ભારતમાં નવા વર્ષે સૌથી વધુ 69,944 બાળકોનો જન્મ થયો છે
નવી દિલ્હીઃ UNICEFએ મંગળવારે જણાવ્યું કે, વિશ્વમાં નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી, 2019ના રોજ જેટલા બાળકો જન્મ્યા છે, તેમાં 18 ટકા સાથે સૌથી વધુ બાળકો ભારતમાં જન્મ્યા છે. UNICEFના આંકડા મુજબ, 1 જાન્યુઆરી, 2019ના રોજ સમગ્ર વિશ્વમાં કુલ 3,95,072 બાળકોનો જન્મ થયો હતો. જેમાં સૌથી વધુ ભારતમાં 69,944 બાળકોનો જન્મ થયો છે.
UNICEF દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં નવા વર્ષના પ્રથમ દિવસે જેટલા બાળકો જન્મ્યા છે તેમાંથી અડધાથી વધુ બાળકોનો જન્મ 7 દેશમાં થયો છે. જેમાં ભારત ઉપરાંત ચીન (44,940), નાઈજીરિયા (25,685), પાકિસ્તાન (15,112), ઈન્ડોનેશિયા (13,256), અમેરિકા (11,086), ડેમેક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (10,053) અને બાંગ્લાદેશ (8,428)નો સમાવેશ થાય છે.
સબરીમાલાઃ મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં વિરોધ પ્રદર્શન, શુદ્ધિકરણ માટે કપાટ કરાયા બંધ
શહેરોમાં ચીનના બિજિંગમાં સૌથી વધુ 605 બાળકો નવા વર્ષના પ્રથમ દિવસે જન્મ્યા છે. ત્યાર બાદ ન્યૂયોર્ક (317), ટોકિયો (310), સિડની (168) અને મેડ્રિડ (166) બાળકોનો જન્મ થયો છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષના પ્રથમ દિવસે સૌ પ્રથમ બાળકનો જન્મ ફિજીમાં થયો હતો અને સૌથી છેલ્લા બાળકનો જન્મ અમેરિકામાં થયો હતો.
UNICEFના ભારત ખાતેના પ્રતિનિધિ યાસમિન-અલી-હક એ જણાવ્યું કે, "આ નવા વર્ષના દિવસે ચાલો એક શપથ લઈએ કે આપણે દરેક દિકરી-દિકરાનાં તમામ અધિકારોનું સંરક્ષણ કરીશું, જેની શરૂઆત તેમના જિંદગીના અધિકાર સાથે કરીએ. જો આપણે સ્થાનિક આરોગ્ય કાર્યકર્તાને યોગ્ય તાલીમ અને સાધનોથી સુરજ્જ પાછળ રોકાણ કરીએ તો આપણે લાખો બાળકોની જિંદગી બચાવી શકીએ એમ છીએ. કારણે કે, કોઈ પણ સ્થળે જ્યારે બાળકનો જન્મ થતો હોય છે ત્યારે સામાન્ય રીતે સ્થાનિક આરોગ્ય કાર્યકર્તા જ તેની નજીકમાં નજીક હોય છે."