દેશમાં ચોથી લહેરના ભણકારા, 24 કલાકમાં 4200થી વધુ કેસ નોંધાયા, કેરલની સ્થિતિ સૌથી ખરાબ
ભારતમાં કોરોના મહામારી ફરી ડરાવવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4270 નવા કેસ સામે આવ્યાં છે. તો આ દરમિયાન વધુ 15 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 4270 કેસ સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસની તુલનામાં 7.8 ટકા વધુ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 4,31,76,817 કેસ નોંધાયા છે. દેશમાં કેરલની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1465 નવા કેસની પુષ્ટિ થઈ છે.
સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હોય તેવા પાંચ રાજ્યોમાં કેરલમાં 1465 કેસ, મહારાષ્ટ્રમાં 1357 કેસ, દિલ્હીમાં 405 કેસ, કર્ણાટકમાં 222 કેસ અને હરિયાણામાં 144 કેસ નોંધાયા છે.
દેશમાં નોંધાયેલા નવા કેસમાં 84.14 ટકા કેસ માત્ર આ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. માત્ર કેરલમાં જ 34.31 ટકા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1636નો વધારો થયો છે. કોરોના સંક્રમણને કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મોત થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક વધીને 5,24,692 થઈ ગયો છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર પ્રશાસને અમરનાથ યાત્રીકો માટે સૂચનો જાહેર કર્યા, યાત્રા પહેલાં જરૂર વાંચો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ અત્યારે 98.73 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2619 દર્દી સાજા થયા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધી 4,26,28,073 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
દેશમાં કોરોના સામે રક્ષણ મેળવવા છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સીનના 11 લાખ 92 હજાર 427 ડોઝ આપવામાં આવ્યા છે. આમ દેશમાં અત્યાર સુધી કુલ મળીને કોરોના વેક્સીનના 1,94,09,46,157 ડોઝ આપી દેવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube