નવી દિલ્હીઃ ભારત જાપાન પાસેથી રૂ.7000 કરોડના ખર્ચે 18 બુલેટ ટ્રેન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ કરારની સાથે જ ભારતમાં પણ બુલેટ ટ્રેનના ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2022 સુધીમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થઈ જવાની સંભાવના છે. 508 કિમી લાંબા આ માર્ગ પર જાપાનની મદદથી હાઈસ્પીડ ટ્રેનના કોરિડોરનું નિર્માણ હાથ ધરાનાર છે. 


ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે એક ઉચ્ચ અધિકારીઓ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "ભારત જાપાન પાસેથી 18 શિનકાનસેન બુલેટ ટ્રેન ખરીદશે. દરેક ટ્રેનમાં 10 કોચ હશે અને તે 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે."


બુલેટ ટ્રેનના ઉત્પાદન માટે ટૂંક સમયમાં હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન ખરીદવા માટે પડનારા ટેન્ડરમાં જાપાનની કંપની પણ ભાગ લેવાની છે. તેઓ જાપાન રેલવેની ડિઝાઈનને ફોલો કરશે. અધિકારીએ જણાવ્યું કે, જાપાનની બુલેટ ટ્રેન વિશ્વમાં સૌથી વધુ સલામત છે. ભારતમાં જે બુલેટ ટ્રેન આયાત કરવામાં આવશે તેમાં સુરક્ષા માટેની ઓટોમેટિક પ્રોટેક્શન સિસ્ટમ હશે. 


મુંબઈ-અમદાવાદ માર્ગ પર 18,000થી વધુ મુસાફરો બુલેટ ટ્રેનનો લાભ લે તેવી સંભાવના છે. આ બંને શહેર વચ્ચેનું ઈકોનોમી ક્લાસનું ભાડું રૂ.3,000 હશે. આ ટ્રેનમાં વિમાનની જેમ ફર્સ્ટ ક્લાસ સુવિધા પણ હશે. 


તેની સાથે જ ભારતીય રેલવે પણ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના ધોરણે ભારતમાં બુલેટ ટ્રેનના ઉત્પાદન અંગે આયોજન કરી રહી છે, જેથી ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકા. જાપાનની ટ્રેન ટેક્નોલોજી કંપનીઓ જેવી કે કાવાસાકી, હિટાચી ભારતમાં બુલેટ ટ્રેનના ઉત્પાદન માટેનાં યુનિટ સ્થાપવામાં મદદ કરશે. 


અધિકારીએ જણાવ્યું કે, "અમે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ભારતમાં બુલેટ ટ્રેનને એસેમ્બલ કરવા અંગેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે." તેમણે વધુમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2018 સુધીમાં જમીન સંપાદનનું કાર્ય લગભગ પુરું થઈ જશે અને વર્ષ 2019ના જાન્યુઆરી મહિનાથી ભારતીય રેલવે દ્વારા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાશે. 


અમદાવાદ અને મુંબઈ વચ્ચેના આ પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના માર્ગ પર 12 સ્ટેશન હશે. ગુજરાતમાં 350 કિમી અને મહારાષ્ટ્રમાં 150 કિમીનો બુલેટ ટ્રેનનો માર્ગ તૈયાર કરવામાં આવશે. ભારત સરકારે 'જાપાનિઝ ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી' પાસેથી ફંડ મેળવવાની પણ શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખની છે કે, આ કંપની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ભારતને રૂ.88,000 કરોડની વાર્ષિક 0.1 ટકાના વ્યાજ પર 50 વર્ષની લોન આપી છે. આ લોનની ચૂકવણી પણ લોનની રકમ ચુકવ્યાના 15 વર્ષ બાદ શરૂ કરવાની છે.