J&K: એલઓસી પર પાકની ઘાતક BAT ટીમની ઘૂસણખોરીની કોશિશ, સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યાં
નવા વર્ષ અગાઉ ભારતની જમીન પર દહેશત ફેલાવવા માટે પ્રયત્નો કરી રહેલા પાકિસ્તાની આતંકીઓના બદઈરાદા ભારતીય સેનાએ નિષ્ફળ કરી નાખ્યાં છે.
નવી દિલ્હી: નવા વર્ષ અગાઉ ભારતની જમીન પર દહેશત ફેલાવવા માટે પ્રયત્નો કરી રહેલા પાકિસ્તાની આતંકીઓના બદઈરાદા ભારતીય સેનાએ નિષ્ફળ કરી નાખ્યાં છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરની નિયંત્રણ રેખા (એલઓસી) પર 30 ડિસેમ્બરના રોજ નૌગામ સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં બે ઘૂસણખોરોને ઠાર કર્યા છે. સેનાએ મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
કહેવાય છે કે પાકિસ્તાનની BAT ટીમ એલઓસી પાસેના જંગલોમાં આવી રહી છે. આ ટીમ જ્યારે બોર્ડર પાસે હતી ત્યારે પાકિસ્તાની સેનાએ તેમને કવર કરવા માટે સતત ફાયરિંગ પણ કર્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની બેટ ટીમના આ હુમલાને નિષ્ફળ કરી નાખ્યો છે. આ હુમલામાં ભારતે પાકિસ્તાની સેનાના બે જવાનોને પણ ઠાર કર્યા છે. અનેક હથિયારો જપ્ત કર્યા છે. બેટ ટીમના ઓપરેશનને નિષ્ફળ કર્યા બાદ સેનાના જવાનોએ જંગલોમાં સર્ચ અભિયાન પણ ચલાવ્યું.
ઘૂસણખોરી પર સેનાએ જણાવ્યું કે ઘૂસણખોરોએ ફૌજીઓના કપડાં પહેર્યા હતાં અને તેમની પાસે ખુબ સામાન હતો. તેમની પાસેથી ખુબ હથિયારો પણ મળી આવ્યાં છે. જે ચીજો મળી આવી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ભારતીય સેનાની પોસ્ટ પર હુમલો કરવા માટે તેઓ આવી રહ્યાં હતાં.
સેનાનું કહેવું છે કે પાકિસ્તાની સેના બેટ ટીમને પ્રોટેક્શન આપી રહી હતી એટલે અમે તેમને અપીલ કરીશુ કે તેઓ પોતાના આ બે ઘૂસણખોરોના મૃતદેહો સ્વીકારે.
શું છે BAT ટીમ?
બેટ ટીમનું આખુ નામ બોર્ડર એક્શન ટીમ છે. આ અંગે સૌથી પહેલા ઓગસ્ટ 2013ની રાતે માલુમ પડ્યું હતું. આ ટીમે ત્યારે એલઓસી પર પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડીને નિશાન બનાવી હતી.
વાત જાણે એમ છે કે પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સમાથી લેવાયેલા સૈનિકોની આ એક ટુકડી છે. ચોંકાવનારી વાત એ છે કે બેટ ટીમમાં સૈનિકો જેવી ટ્રેનિક મેળવેલા આતંકીઓ પણ છે. આ ટુકડીને એલઓસીમા 1થી 3 કિલોમીટર સુધી અંદર ઘૂસીને હુમલો કરવા માટે તૈયાર કરાઈ છે.
બેટને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીએ તૈયાર કરી છે. તે સંપૂર્ણ પ્લાનિગ સાથે એટેક કરે છે. આ ટીમ પહેલા ગુપ્ત રીતે ઓપરેશનોને અંજામ આપતી હતી પરંતુ ત્યારબાદ મીડિયાના કારણે અહેવાલોમાં ચમકવા લાગી.