ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશેઃ UN
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા ભારતીય અર્થતંત્રના ઝડપથી આગળ વધવાની આશા વ્યક્ત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ પણ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા ભારતીય અર્થંત્રના ઝડપથી વિકાસ કરવાની આશા વ્યક્ત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ પણ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ મુક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) તરફથી બુધવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતીય અર્થતંત્ર 2019 અને 2020માં તેજ ગતીએ આગળ વધશે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ચીન જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં સૌથી વધારે રહેશે.
છેલ્લા સુધારાનો મળ્યો ફાયદો
યુએનના રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતનો વિકાસ દર વર્ષ 2018-19માં 7.4 ટકા અને આગામી નાણાકિય વર્ષ 2019-20માં 7.6 ટકાનો રહેશે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવનાઓ (WESP) 2019 રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે, વર્ષ 2020-21માં ભારતનો સરેરાશ વૃદ્ધિ દર (GDP) 7.4 ટકાનો રહેશે. આ વૃદ્ધિને મજબૂત ઘરેલુ વપરાશ, વધુ વિસ્તરણ ધરાવતા આર્થિક વલણ અને છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક ક્ષેત્રે કરાયેલા સુધારાનો ફાયદો મળી રહ્યો છે.
નાણાકિય વર્ષ બદલવાથી શેરબજારથી માંડીને આમ આદમી પર કેટલી અસર પડશે? જાણો....
ખાનગી રોકાણમાં સુધારો જરૂરી
રિપોર્ટમાં જણાવાયું છે કે, મધ્યમ સમયગાળાના વૃદ્ધિ દર માટે ખાનગી રોકાણમાં સતત સુધારો જરૂરી છે. વૈશ્વિક અર્થતંત્રનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2019 અને 2020માં તેનો વૃદ્ધિદર 3 ટકાની નજીક રહેશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, વૈશ્વિક આર્થિક સૂચકાંક ઘણો જ અનુકૂળ છે, પરંતુ સાચી વાસ્તવિક્તા દર્શાવતા નથી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના ટકાઉ હોવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે.
ચીનનો વિકાસ દર પડશે ધીમો
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચીનનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, અહીં 2018માં વિકાસ દર 6.6 ટકા અને 2019માં ઘટીને 6.3 ટકા રહેવાનું અનુમાન છે. તેનું મુખ્ય કારણ ટ્રેડ વોરને જવાબદાર જણાવાઈ છે.
શું પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં મોદી-યોગી, એસપી-બીએસપીનો જાદુ તોડી શકશે?
IMFનું અનુમાન
સંયુક્ત રાષ્ટ્રથી પહેલા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર વર્ષ 2019માં 7.5 ટકા અને 2020માં 7.7 ટકા રહેશે. આ બે વર્ષ દરમિયાન ચીનની સરખામણીમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર એક ટકા વધારે રહેશે. 2019 અને 2020માં ચીનના અર્થતંત્રનો વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાનું અનુમાન છે.
ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...