શું પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં મોદી-યોગી, એસપી-બીએસપીનો જાદુ તોડી શકશે?

કોંગ્રેસે બુધવારે પ્રિયંકા ગાંધીના મહામંત્રી બનાવ્યા છે અને સાથે જ તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી પણ સોંપી છે. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી આ ક્ષેત્રમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે. તેમને મોદી-યોગીની જોડી અને એસપી-બીએસપી ગઠબંધનનો સામનો કરવાનો રહેશે. 

શું પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં મોદી-યોગી, એસપી-બીએસપીનો જાદુ તોડી શકશે?

લખનઉઃ લાંબા સમય બાદ બુધવારે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને પક્ષના મહામંત્રી બનાવાયા છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો છે, જેની કોંગ્રેસના કાર્યકર્તા લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. કોંગ્રેસે આ સાથે જ પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર પણ સોંપાયો છે. રાજકીય વિશ્લેષકો અનુસાર મોદી-યોગીની જોડી અને સપા-બસપા ગઠબંધનની વચ્ચે પ્રિયંકા ગાંધીઓ જાદુ દેખાડવા માટે કપરા ચઢાણ ચડવાના રહેશે. 

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાનું માનવું છે કે, પ્રિયંકા ગાંધી દ્વારા સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવાથી પૂર્વ ઉત્તર પ્રદેશની 30 બેઠક પર કોઈ ખાસ અસર નહીં થાય. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં યોગી-મોદીના જાદુને તોડવા માટે પોતાનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રિયંકા ગાંધી પહેલાથી જ પડદા પાછળ રાજનીતિમાં સક્રિય રહ્યા છે. જોકે, તેની કોઈ ખાસ અસર થઈ નથી. આગામી લોકસભા ચૂંટણીમાં પણ પ્રિયંકાની કોઈ ખાસ અસર નહીં જોવા મળે. તેમનું માનવું છે કે, પ્રિયંકાના સક્રિય રાજકારણમાં પ્રવેશથી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને નુકસાન પહોંચશે.

વોટ શેરની દૃષ્ટિએ જોઈએ તો યુવાન મુસલમાનો કોંગ્રેસનો હાથ પકડી શકે છે, જ્યારે મુલાયમના સમર્થકો સપાની પડખે રહી શકે છે. પ્રિયંકાના પ્રવેશથી મુસ્લિમ વોટ વહેંચાઈ જશે. ભાજપ પણ આ જ ઈચ્છતું હતું. એટલે પૂર્વ ઉત્તર પ્રદેશમાં હવે મુકાબલો ત્રિકોણીય રહેશે. 

પ્રિયંકાના સક્રિય રાજકારણ પ્રવેશની માત્ર મનોવૈજ્ઞાનિક અસર 
એક અન્ય રાજકીય વિશ્લેષકે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશની મનોવૈજ્ઞાનિક અસર પહોંચશે. કોંગ્રેસને કોઈ ખાસ રાજકીય લાભ નહીં થાય. તેમણે એ જરૂર જણાવ્યું કે, પ્રિયંકાના આગમનથી કોંગ્રેસ કાર્યકર્તા ઉત્સાહિત થયા છે અને કોંગ્રેસ પાર્ટીને સંજીવની મળી શકે છે. 

પ્રિયંકા ગાંધીના માત્ર બે મહિના પહેલા આગમનથી યુપીમાં કોઈ ખાસ અસર નહીં થાય. તેનાથી માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ મળશે. કોંગ્રેસ માટે ઉત્તરપ્રદેશમાં માહોલ આશાજનક નથી. 

પૂર્વ ઉત્તર પ્રદેશની આ બેઠકો પર છે કોંગ્રેસનો પ્રભાવ
પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, પૂર્વ ઉત્તર પ્રદેશની કેટલીક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસને જીતનો આશાવાદ છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં કુલ 40 લોકસભા બેઠક છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંસદીય બેઠક વારાણસી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હોમ ગ્રાઉન્ડ ગોરખપુરનો પણ સમાવેશ થાય છે. 

વર્ષ 2009ની ચૂંટણીમાં પૂર્વ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને ગોરખપુરને અડીને આવેલી મહારાજ ગંજ ઉપરાંત બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બારાબંકી, સુલતાનપુર, રાયબરેલી, અમેઠી, ફૈઝાબાદ સહિત અનેક બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત અલાહાબાદ, પ્રતાપગઢ, વારાણસી, મિર્ઝાપુર સહિત અનેક જિલ્લાઓમાં કોંગ્રેસનો સારો પ્રભાવ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news