નવી દિલ્હીઃ દેશની સરહદો પર તૈનાત દેશના જવાનો આપણી સુરક્ષામાં 24 કલાક ફરજ બજાવે છે. દેશનો કોઈ પણ ખૂણો હોય, તેઓ દિવસ-રાત આપણી સુરક્ષામાં હંમેશાં જાગૃત રહેતા હોય છે. દેશ આજે જ્યારે દિવાળીનો પર્વ ઉજવી રહ્યો છે ત્યારે લદાખની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણાં સૈનિકો પોતાની ફરજ પર અડીખમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારેય તરફ બરફની સફેદ ચાદર પથરાયેલી છે. તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે. આવી સ્થિતિમાં જીવવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે તેનો અંદાજ પણ એક સામાન્ય માનવી લગાવી શકે એમ છે. તેમ છતાં આપણા સૈનિકોનો ઉત્સાહ જરા પણ ઓછો હોતો નથી. તેઓ દરેક તહેવાર પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં એટલા જ ઉત્સાહથી ઉજવતા હોય છે. 



આ વર્ષે પણ દીપાવલી પર લદાખના ખારદુંગલામાં ઈન્ડો તેબિટિયન બોર્ડર પોલિસ (ITBP)ના જવાનોએ માઈનસ શૂન્યથી નીચે તાપમાન પર બરફમાં દીવા પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી કરી હતી. તેમની તસવીરોને જોતાં આપણને સલામ મારવાનું મન થઈ જાય છે. 


પીએમ મોદી ITBPના જવાનો સાથે ઉજવશે દિવાળી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડમાં દેશના ITBPનાં જવાનો સાથે દિવાળી ઉજવવાના છે. આ પહેલા તેઓ કેદારનાથમાં દર્શન કરશે. વડા પ્રધાન છેલ્લે ઓક્ટોબર 2017માં કેદારનાથ ગયા હતા. તેમની યાત્રા શિયાળામાં મંદિરના કપાટ બંધ થવાના થોડા સમય પહેલા થઈ હતી. 


2014માં વડા પ્રધાન મોદીએ સિયાચિનમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. વર્ષ 2015માં પીએમ મોદી પંજાબ બોર્ડર પર ગયા હતા. તેમની આ યાત્રા સંયોગવશાત 1956માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના 50 વર્ષ પૂરા થવા પ્રસંગે થઈ હતી. 



તેના પછીના વર્ષે વડા પ્રધાન હિમાચલ પ્રદેશ ગયા હતા, જ્યાં તેમણે એક ચોકી પર ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના કર્મચારીઓ સાથે સમય પસાર કર્યો હતો. મોદીએ ગયા વર્ષે વડા પ્રધાન તરીકેની પોતાની ચોથી દિવાળી જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે ઉજવી હતી. 


નિયંત્રણ રેખા પર ભારત-પાક. સેના દ્વારા મિઠાઈનું આદાન-પ્રદાન
ભારત અને પાકિસ્તાન સેનાએ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર એક-બીજાને મિઠાઈનું આદાન-પ્રદાન કર્યું હતું. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, જવાનોએ મેંઢર અને પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આવેલી બે પારગમન ચોકીઓ પર મિઠાઈઓનું આદાન-પ્રદાન કર્યું હતું. 


પરંપરા મુજબ, બંને દેશની સેનાઓ એક-બીજાના દેશના રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોના પ્રસંગે એક-બીજાને મિઠાઈઓનું આદાન-પ્રદાન કરતી આવી છે.