International Tiger Day 2021: ભારતમાં કેટલાં ટાઈગર રિઝર્વ છે? જાણો વાઘને બચાવવા PM મોદીએ શું કહ્યું
વાઘને સંરક્ષણ અને તેની પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા માટે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં 29 જુલાઈના દિવસને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. અને 2010માં તે ભારતમાં વિલુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દર વર્ષે દુનિયામાં 29 જુલાઈને આંતરરાષ્ટ્રીય વાધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં વાઘના સંરક્ષણ અને તેના પ્રાકૃતિક આવાસને બચાવવા માટે અવેરનેસ લાવવામાં આવે. વાઘને લુપ્ત થતી પ્રજાતિની યાદીમાં રાખવામાં આવ્યા છે. અને તેના સંરક્ષણ માટે સેવ ધ ટાઈગર જેવા રાષ્ટ્રીય અભિયાન પણ ચલાવવામાં આવે છે. વાઘ સંરક્ષણને પ્રોત્સાહિત કરવા અને વાઘની ઘટતી જતી સંખ્યા પ્રત્યે જાગૃતતા લાવવા માટે 2010માં રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં એક સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વાઘ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં 2022 સુધી વાઘની સંખ્યાને બેગણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ પ્રેમીઓને આપી શુભેચ્છા:
પ્રધાનમંત્રી મોદીએ વન્ય જીવોને પ્રેમ કરનારા લોકોને શુભકામના આપતાં ટ્વીટ કર્યું કે વન્યજીવ પ્રેમીઓ, વિશેષ કરીને વાઘ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી લોકોને શુભેચ્છા. વિશ્વ સ્તરે વાઘની 70 ટકાથી વધારે વસ્તીના ઘરના રૂપમાં આપણે પોતાના વાઘ માટે સુરક્ષિત આવાસ સુનિશ્વિત કરવા અને વાઘ માટે અનુકૂળ વાતાવરણને પોષિત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ.
ભારતમાં કુલ 52 ટાઈગર રિઝર્વ:
હાલના સમયમાં ભારતમાં કુલ 52 ટાઈગર રિઝર્વ છે. ભારતનું પહેલું વાઘ રિઝર્વ જિમ કોર્બેટ છે. ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ નાગાર્જુન સાગર શ્રીશૈલમ છે. જ્યારે દેશનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં પેંચમાં છે. આખી દુનિયામા સૌથી વધારે વાઘ ભારતમાં મળી આવે છે. દેશના કુલ 18 રાજ્યોમાં વાઘ જોવા મળે છે. 2019માં આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ 2967 વાઘ છે. દેશમાં સૌથી વધારે 526 વાઘ મધ્ય પ્રદેશમાં છે. એક રિપોર્ટ પ્રમાણે કેરળ, ઉત્તરાખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વાઘની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ભારતના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં અભ્યારણ્ય છે. જો તમારે વાઘને નિહાળવો છે તો તમે સૌથી સારા અભ્યારણ્યમાં જઈ શકો છો. ત્યારે દેશના 5 જાણીતા વાઘ અભ્યારણ્ય કયા છે:
1. જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વ, ઉત્તરાખંડ
2. રણથંભોર ટાઈગર રિઝર્વ, રાજસ્થાન
3. બાંધવગઢ ટાઈગર રિઝર્વ, મધ્ય પ્રદેશ
4. પેરિયાર ટાઈગર રિઝર્વ, કેરળ
5. સુંદરવન ટાઈગર રિઝર્વ, પશ્વિમ બંગાળ