IPL સટ્ટાબાજી: અરબાઝ ખાન બાદ હવે `આ` ભારતીય ક્રિકેટરનું નામ સામે આવ્યું
આઈપીએલમાં સટ્ટાબાજીના કાળા ધંધાનું જાળુ ગુંચવાતુ જ જાય છે. થાણા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સટોડિયા સોનુ જાલને પૂછપરછમાં અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
મુંબઈ (રિપોર્ટ રાજીવ રંજન સિંહ) : આઈપીએલમાં સટ્ટાબાજીના કાળા ધંધાનું જાળુ ગુંચવાતુ જ જાય છે. થાણા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સટોડિયા સોનુ જાલને પૂછપરછમાં અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે સોનુ જાલનના બુકી, સેલિબ્રિટી, બિઝનેસ મેન અને બિલ્ડર જ નહીં પરંતુ ક્રિકેટના અનેક ચહેરાઓ પણ તેના સંપર્કમાં હતાં. ક્રિકેટ સંબંધિત આ માહિતી સોનુના મોબાઈલ અને લેપટોપની તપાસમાં બહાર આવી છે. આઈપીએલ સટ્ટાબાજીના આ મામલે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનનું નામ સામે આવ્યાં બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે.
પોલીસના જણાવ્યાં મુજબ સોનુ જાલનના લગભગ 1200થી વધુ ક્લાયન્ટ હતાં અને સોનુ પોતે તેના એક આવા જ બોસનો ક્લાયન્ટ હતો જેની પાસે સોનુ જેવા 100 જેટલા બીજા લોકો હતાં. આ બોસ એ જૂનિયર કોલકાતા છે. આ જૂનિયર કોલકાતા સીધો અન્ડરવર્લ્ડના ડોના સાથે સંપર્કમાં છે. પોલીસને શંકા છે કે જૂનિયર કોલકાતા દેશ છોડીને ફરાર થઈ ગયો છે.
પોલીસની તપાસ અને પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે સોનુ જાલન, દાઉદ ઈબ્રાહિમનો ખાસ ગણાતો અને દેશમાં અનેક સટોડિયાઓના નેટવર્કના ચીફ જૂનિયર કોલકાતાના સીધા સંપર્કમાં હતો. તેની મીટિંગ ક્રિકેટના લોકો સાથે કરાવવાની જવાબદારી સોનુની જ હતી. સોનુના મોબાઈલમાંથી જ કેટલીક તસવીરો અને જાણકારી મળી છે. જેમાં જૂનિયર કોલકાતા સાથે રોબિન મોરીસ વર્ષ 2015માં 14 સપ્ટેમ્બરના રોજ થાઈલેન્ડમાં મળ્યો હતો. તેને મળવા પાછળનું કારણ શું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.
અલ જજીરાના સ્ટિંગમાં ચમક્યુ હતું રોબિન મોરિસનું નામ
અત્રે જણાવવાનું કે અલ જજીરા ચેનલના સ્ટિંગમાં જે મેચો પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતાં તે ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી 29 જુલાઈ 2017 સુધીની ગાલેમાં રમાયેલી ટેસ્ટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 16થી 20 માર્ચ 2017 રમાયેલી મેચ અને ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં 16થી 20 ડિસેમ્બર 2016 રમાયેલી ટેસ્ટ મેચો સામેલ છે. અલજજીરાના સ્ટિંગમાં પણ રોબિન મોરિસનું નામ સામે આવ્યું છે. અલ જજીરાની ડોક્યુમેન્ટરીમાં મેચ ફિક્સિંગના આરોપી મોરિસને ગાલેના ક્યૂરેટર થરંગા ઈન્ડિકાને અંડરકવર રિપોર્ટર સાથે મેળવી આપતા દેખાડાયો હતો અને ફિક્સરોના જણાવ્યાં મુજબતે પિચો બદલવાનો દાવો કરતો જોવા મળી રહ્યો છે. મોરિસ આ વીડિયોમાં કથિત રીતે પાકિસ્તાની ક્રિકેટર હસન રજા (સૌથી ઓછી ઉંમરના ટેસ્ટ ક્રિકેટર તરીકે વિશ્વ રેકોર્ડ ધરાવે છે) સાથે જોવા મળ્યો છે અને વીડિયોમાં તે પોતાના સંપર્ક અને મેદાનકર્મીઓ દ્વારા પિચોને ફિક્સ કરાવવાની પોતાની ક્ષમતા અંગે વાત કરી રહ્યો છે.
જો કે બીસીસીઆઈનું કહેવું છે કે આ મામલામાં ફસાયેલા પૂર્વ ક્રિકેટર રોબિન મોરિસ આઈસીસીની હાલની તપાસમાં દોષિત ઠરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે.
(જૂનિયર કોલકાતા સીધો દાઉદના સંપર્કમાં છે)
કોણ છે રોબિન મોરિસ
રોબિન મોરિસે 42 પ્રથમ શ્રેણીની અને 51 લિસ્ટ એ મેચો રમી છે. શારદાશ્રમ શાળાથી અભ્યાસ કરનારા અને રમાકાંત આચરેકર (સચિન તેંડુલકરના શરૂઆતના કોચ)ના શિષ્ય રહેલા મોરિસને મર્યાદિત ઓવરોનો ઉમદા ક્રિકેટર ગણવામાં આવતો હતો. પરંતુ તેણે 31 વર્ષની આયુમાં જ ક્રિકેટને અલવીદા કહી દીધુ હતું.
મુંબઈ ક્રિકેટ સંબંધિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જો તેના સર્વશ્રેષ્ઠ દિવસો આઈપીએલની આસપાસ હોત તો તે ઘરેલુ ખેલાડીઓ વચ્ચે સારી પસંદ બન્યો હોત. પરંતુ તે ઈરાની ટ્રોફીમાં મુંબઈ માટે આઠ વિકેટ લીધા બાદ બાગી (હવે ભંગ) ઈન્ડિયન ક્રિકેટ લીગમાં જતો રહ્યો. અનેક લોકોને એ પણ ખબર નહતી પડી કે મધ્યમ વર્ગમાંથી આવતો હોવા થતાં મોરિસે ભારત પેટ્રોલિયમની સુરક્ષિત નોકરી કેમ છોડી. આ પૂર્વ ક્રિકેટરના એક નજીકના મિત્રે જણાવ્યું કે હું શરત લગાવી શકું છું કે ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલ રમતા તેણે મોટી કમાણી નહતી કરી પરંતુ તે મર્સિડિઝ બેન્ઝ ચલાવતો હતો. ખુબ કિંમતી ઘડિયાળો પહેરતો હતો.
(રોબિન મોરિસે 42 પ્રથમ શ્રેણીની અને 51 લિસ્ટ એ મેચો રમી છે.)
7 બોલિવૂડ સેલિબ્રિટી પણ સામેલ છે
આઈપીએલ સટ્ટાબાજી મામલે સોનુ જાલન સાથે થયેલી પૂછપરછમાં થાણા એક્સટોર્શન સેલને અનેક માહિતી મળી છે. અરબાઝ ખાન સાથે શનિવારે 5 કલાકની પૂછપરછમાં પણ અનેક મહત્વની જાણકારીઓ મળી. જેમાં બોલિવૂડના લગભગ 7 નામ સામે આવ્યાં છે. આ હસ્તીઓના પરિચય અરબાઝ ખાને સોનુ સાથે કરાવ્યો હતો. અરબાઝ ખાન સોનુને એકલા મળતા ખચકાતો હતો. હકીકતમાં તે સોનુની એક આદતથી ખુબ પરેશાન હતો. સોનુ દરેક સાથે વાત કરતા કરતા તેની વાત રેકોર્ડ કરતો હતો અને ત્યારબાદ ચોરીથી તેમનો વીડિયો પણ બનાવી લેતો હતો. અરબાઝને આ વાત સોનુ જાલન સાથે મિત્રતા થયાના બે વર્ષ બાદ ખબર પડી હતી. આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે એક સરકારીને વીડિયો અને ઓડિયો દ્વારા બ્લેક મેઈલિંગની કોશિશ કરવામાં આવી.