પટનાઃ બિહારમાં નીતીશ કુમારે નવમી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. મહાગઠબંધન છોડ્યા બાદ નીતીશ કુમાર એનડીએમાં સામેલ થઈ ગયા છે. નીતીશ કુમારે સવારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું અને સાંજે ફરી શપથ લઈ લીધા છે. જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના બે નેતા બન્યા નાયબ મુખ્યમંત્રી
બિહારમાં આજથી એનડીએની સરકાર બની છે. નીતીશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભાજપના સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી કુશવાહા જાતિથી આવે છે અને બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. સમ્રાટ ચૌધરી દિગ્ગજ નેતા શકુનિ ચૌધરીના પુત્ર છે. આ સિવાયચ લખીસરાય સીટથી ચાર વખત ધારાસભ્ય વિજય સિન્હાએ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 



રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ સાંજે પાંચ કલાકે શરૂ થયો હતો. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સૌથી પહેલા નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ પદ તથા ગોપનિયતાના શપથ લીધા હતા. બંનેને નીતીશના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. 


વિજય ચૌધરીએ ચોથા નંબર પર લીધા શપથ
ચોથા નંબર પર સીએમ નીતીશ કુમારના ખાસ મનાતા જેડીયૂ નેતા વિજય ચૌધરીએ મંત્રી પદના શપથ લીધા હતા. મહાગઠબંધન સરકારમાં તેમની પાસે નાણા મંત્રાલયની જવાબદારી હતી. બિહાર સરકારમાં તે જેડીયૂથી નંબર ટૂ નેતા માનવામાં આવે છે. 


વિજય ચૌધરી બાદ જેડીયૂના વરિષ્ઠ નેતા તથા સુપૌલથી ધારાસભ્ય બિજેન્દ્ર પ્રસાદ યાદવે પાંચમાં નંબર પર શપથ લીધા હતા. ત્યારબાદ ભાજપના નેતા પ્રેમ કુમારે મંત્રી પદે શપથ લીધા હતા. જેડીયૂ ધારાસભ્ય શ્રવણ કુમાર પણ મંત્રી બન્યા છે. ત્યારબાદ જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમને મંત્રી પદે શપથ લીધા છે.