ગુજરાતીઓથી ઘેરાયેલા રહો છો, કેવું લાગે છે? જયશંકરે રમૂજી અંદાજમાં આપ્યો જવાબ
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે ગુજરાતીઓથી ઘેરાયેલા રહેવા બદલ તેમને કેવું લાગે છે. જયશંકરે મજાકીયા અંદાજમાં તેનો જવાબ આપ્યો
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે ગુજરાતીઓથી ઘેરાયેલા રહેવા બદલ તેમને કેવું લાગે છે. જયશંકરે મજાકીયા અંદાજમાં તેનો જવાબ આપ્યો. ગુજરાતથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવેલા જયશંકરે કહ્યું તેમને ગુજરાતીઓનો સાથ 'પસંદ' છે કારણ કે તેમને તે ખુબ 'સ્વાભાવિક' લાગે છે.
જયશંકરે કહ્યું કે મને તે પસંદ છે. મારા માટે તે ખુબ રસપ્રદ પણ છે. ભારતમાં દરેકના કોઈને કોઈ મિત્રો દેશના અલગ અલગ ભાગોમાંથી હોય છે જ. જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મારા જીવનના વિવિધ પડાવ પર, અમારી આજુબાજુ કોઈને કોઈ પ્રકારે ગુજરાતી પરિવાર રહેતા હતા. તેમની સાથે અમારા ઘણા સારા સંબંધ હતા. પરંતુ જ્યારે હું (રાજ્યસભા)ચૂંટણી માટે ત્યાં ગયો...અને ત્યારબાદ હું સ્પષ્ટરીતે ભારતના કોઈ પણ અન્ય રાજ્યની સરખામણીમાં ત્યાં વધુ વખત જાઉ છું...મને તે ખુબ સ્વાભાવિક લાગે છે.
ગુજરાતી કદાચ બધા ભારતીયોમાં સૌથી વધુ ગ્લોબલ છે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે 'તેમનામાં એક નિશ્ચિત આત્મવિશ્વાસ અને એટીટ્યૂડ છે.' તેમણે કહ્યું કે તેમની વચ્ચે એક ખુબ મજબૂત સામુદાયિક, ભાવના છે...ભારતમાં દરેક પાસે છે પરંતુ મને લાગે છે કે ગુજરાતીઓમાં તે ખાસ કરીને સારી રીતે છે. તેમણે હસતા હસતા કહ્યું કે "આથી હું કહીશ કે એ સ્વાભાવિક છે કે વિદેશ મંત્રીની ચૂંટણી પણ ગુજરાત રાજ્ય દ્વારા થવી જોઈએ."
જયશંકરે એક્સ (ટ્વિટર) પર કાર્યક્રમની તસવીરો પણ શરે કરી અને કહ્યું કે આજે દુબઈમાં વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયિકો સાથે વાતચીત કરીને ખુશ છું. તેમણે પોસ્ટને કેપ્શન આપી કે તેઓ અમૃતકાળમાં એક વિક્સિત ભારતના નિર્માણમાં સૌથી આગળ હશે. કાર્યક્રમને સંબોધતા વિદેશમંત્રીએ દુબઈમાં વિદ્યાર્થીઓ સાથે ભારતમાં પરિવર્તનો અને દેશ તથા વિદેશમાં ભારતીયોના રોજબરોજના જીવન પર તેના પ્રભાવ પર દ્રષ્ટિકોણ પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, ભારતે ફક્ત ઘરેલુ સ્તર પર પ્રગતિ કરીને ક્ષમતા દેખાડી તેવું નથી, પરંતુ જી20ની અધ્યક્ષતા દરમિયાન એ પણ પ્રદર્શિત કર્યું છે કે તે ખુબ જ કઠિન અને ખુબ વિભાજનકારી ક્ષણમાં દુનિયાના સામાન્ય હિતની કોઈ પણ વાત પર સહમત થવાની ક્ષમતા ધરાવે છે.