મહેબુબા સરકાર અત્યાર સુધીની સૌથી ખરાબ સરકાર, સીઝફાયર મોટી ભુલ: BJP
સરકારનું આવુ સંચાલન કરીને મહેબુબા મુફ્તીએ પોતાનાં પિતા મુફતી મોહમ્મદ સઇદની આત્માને દુખ પહોંચાડ્યું છે
જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં પુર્વ મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા ચૌધરી લાલસિંહે શુક્રવારે કહ્યું કે, મહેબુબા મુફ્તીની સરકાર રાજ્યમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સરકાર હતી અને જો તેમની પાર્ટી આ સરકાર સાથે પોતાનું સમર્થન પાછુ નહી ખેંચે તો વધારે નુકસાન ઉઠાવવું પડ્યું હોત. સિંહે કહ્યું કે, રમઝાન પ્રસંગે એકતરફી સીઝફાયરની જાહેરાત સૌથી મોટી ભુલ હતી. તેનાંથી આતંકવાદીઓને પુનર્ગઠીત થવાની તક મળી અને તેણે સુરક્ષાદળોનું મનોબળ ઘટાડ્યું.
ભાજપ નેતાએ પત્રકારોને કહ્યું કે, લોકતાંત્રીક વ્યવસ્થામાં રાજ્યપાલ શાસન લગાવવું યોગ્ય નથી. પરંતુ સ્થિતી દિવસેને દિવસે બદતર થતી હોય તો આ જ એક વિકલ્પ બચતો જાય છે. બીજી તરફ (પીડીપી-ભાજપ ગઠબંધન) સરકાર પ્રદેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સરકાર હતી. ભાજપ અધ્યક્ષ અમિતશાહની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, લોકોને અવસરવાદી શાસકોથી બચાવવામાં આવ્યા જે સાંપ્રદાયીક આધાર પર કામ કરતા હતા. સિંહે આરોપ લગાવ્યો કે, તે લોકો (પીડીપી નેતા) તેનાં (અલગતાવાદીઓ)નાં ખેરખ્વાહ હતા. તેમનું જીવન તેમનાં સમર્થનથી જ ચાલુ થયું હતું.
ચોધરીએ કહ્યું કે, હું રાજનીતિમાં તેમનાથી વરિષ્ઠ છું. હું અધિકારની સાથે કહી શકું છું કે જ્યારે તે બીજી વખત ક્યારે પણ મુખ્યમંત્રી નહી બને. ભાજપ નેતાએ કહ્યું કે, મહેબુબા મુફ્તીએ પોતાની અક્ષમતાથી બધુ જ બર્બાદ કરી દીધું અને પોતાનાં પિતા મુફ્તી મોહમ્મદ સઇદની આત્માને પણ દુખી કરી છે.