કાશ્મીરની શાંતિથી પાકિસ્તાનમાં ઉચાટ, LoC પર આતંકી સંગઠનો સક્રિય, હુમલાની ફિરાકમાં
જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પણ શાંત રહેતાં પાકિસ્તાનના પેટમાં જાણે તેલ રેડાઇ રહ્યું છે. સુત્રો અનુસાર પાકિસ્તાની સેના આતંકીઓને ઘાટીમાં મોકલવાની ફિરાકમાં છે. આતંકી સંગઠનો સરહદ પર સક્રિય થયા છે અને હુમલાની ફિરાકમાં બેઠા છે.
નવી દિલ્હી : કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી કાશ્મીર ઘાટીમાં શાંતિ પ્રસરી રહી છે. જેને પગલે પાકિસ્તાન બેબાકળું બન્યું છે. ગુપ્ત એજન્સીઓના મળેલા લેટેસ્ટ ઇનપુટથી એ જાણવા મળી રહ્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર બનેલા લોન્ચ પેડ પર આતંકી સંગઠનો સક્રિય બન્યા છે અને આંટાફેરા મારી રહ્યા છે. આતંકીઓ હુમલા માટે ઘૂષણખોરીની ફિરાકમાં છે.
કાશ્મીર ઘાટીમાં પ્રવેશવા સરહદે આંટા ફેરા મારી રહેલા આતંકી સંગઠનોને પાક સેના દ્વારા પણ મદદ મળી રહી છે. સુત્રોના અનુસાર પાકિસ્તાની સેના આ આતંકીઓને ઘાટીમાં મોકલવાની ફિરાકમાં છે કે જેથી ઘાટીની શાંતિ ભંગ કરી શકાય.
બીજી તરફ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાતાં પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રથી સત્વરે આ મામલે હસ્તક્ષેપ ઇચ્છી રહ્યું છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખીને કહ્યું છે કે, તે કાશ્મીર મામલે તાત્કાલિક બેઠક કરે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે એક પ્રસિધ્ધ કરેલા પત્ર અનુસાર પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી ભારત દ્વારા કાશ્મીર વિસ્તાર મામલે લેવાયેલા નિર્ણય અંગે સત્વરે બેઠક ઇચ્છી રહ્યું છે.
વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ UNSC અધ્યક્ષ જોઆના રોનક્કાને એક પત્ર લખીને અનુરોધ કર્યો છે કે, તે એજન્ડા આઇટમ ભારત પાકિસ્તાન પ્રશ્ન અંતર્ગત આ બેઠકમાં ભાગ લેવા માટે માંગ કરે છે.