શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે સેનાએ ચાર આતંકીઓનો ખાતમો કર્યો. પોલીસે જો કે આ ઘટનાની હજુ પુષ્ટિ કરી નથી. કારણ કે માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો મળ્યા નથી. સૈન્ય સૂત્રોના જણાવ્યાં મુજબ આ અથડામણ ગુરુવારે સાંજે ઉરી સેક્ટરના બોનિયારના જંગલોમાં થઈ હતી. તેમણે કહ્યું કે આ અભિયાનમાં ચાર આતંકીઓ ઠાર કરાયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અગાઉ સેનાના એક ટોચના અધિકારીએ ગત શનિવારે કહ્યું હતું કે લગભગ 300 આતંકીઓ કાશ્મીર ઘાટીમાં સક્રિય છે. જ્યારે 250થી વધુ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે. સેનાની 15મી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ એ કે ભટ્ટે ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં જણાવ્યું હતું કે 250થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે. અમારી સેના સતર્ક છે અને તેમને રોકવા માટે તૈયાર છે. 


તેમણે કહ્યું હતું કે સેનાની પૂરેપૂરી કોશિશ હશે કે તે આતંકીઓને ભારતમાં ઘૂસવા ન દે. સેનાના અધિકારીએ જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં લગભગ 300 આતંકીઓ સક્રિય છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરના સોપોરમાં પોલીસે બુધવારે લશ્કર એ તૈયબાના એક સ્થાનિક આતંકીની ધરપકડ કરી હતી. 


પોલીસના જણાવ્યાં મુજબ થોડા દિવસ પહેલા આતંકી લશ્કર ઐ તૈયબામાં સામેલ થયો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તે નગરપાલિકા અને પંચાયત ચૂંટણીઓમાં મતદાન અંગે ઉત્તર કાશ્મીરના લોકોને ધમકાવી રહ્યો હતો. 


પોલીસે કહ્યું કે પકડાયેલા આતંકીની ઓળખ આમિર સુલ્તાન તરીકે થઈ છે અને તે બાંદીપોરા જિલ્લાના નઈદખાઈ સુમ્બલનો રહીશ છે.