જમ્મુ કાશ્મીરમાં 26 દિવસમાં 9 હત્યાઓ, જાણો કોણ છે આતંકવાદીઓના સોફ્ટ ટારગેટ પર?
કાશ્મીર ઘાટીમાં ટારગેટ કિલિંગ્સની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. કુલગામમાં હિંદુ શિક્ષકની હત્યાના બે દિવસ પછી આતંકવાદીઓએ એક બેંક મેનેજરની હત્યા કરી દીધી છે. બેંક મેનેજર વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી છે.
નવી દિલ્લી: જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ આ સ્વર્ગને છેલ્લાં ઘણા દિવસોથી કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કાશ્મીર ઘાટી ફરી એક વાર સળગી રહી છે. આતંકવાદી વીણી-વીણીને લોકોની હત્યા કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓને, બહારના લોકોને અને જાણીતા ચહેરાઓને આતંકી પોતાના સોફ્ટ ટારગેટ પર રાખી રહ્યા છે. વીતેલા 26 દિવસમાં 9 લોકોની હત્યા આતંકવાદી કરી ચૂક્યા છે. સામાન્ય લોકોને ટારગેટ કરીને આતંકવાદી 1990ના દાયકા જેવો માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગુરુવારે કુલગામમાં ફરી એકવાર હિંદુને ટારગેટ કરાયો:
કુલગામમાં આતંકવાદીઓએ હિંદુને ટારગેટ કરતાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. બેંક મેનેજર વિજય કુમાર બેંકમાં નોકરી પર હતા. ત્યારે આતંકવાદીઓએ બેંકમાં પ્રવેશ કરીને તેમના પર અંધાધુંધ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી વિજય કુમારનું મૃત્યુ થયું. આ પહેલાં એક સરકારી સ્કૂલના શિક્ષક રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. રજનીબાલા કુલગામના ગોપાલપુરમાં સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. આતંકવાદીઓએ શાળામાં ઘૂસીને તેમની હત્યા કરી હતી.
26 દિવસમાં ટારગેટ કિલિંગ્સની 9 ઘટનાઓ:
7 મે: શ્રીનગરના ડૉ.અલી જન રોડના એવા બ્રિજની પાસે આતંકી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ ગુલામ હસન ડાર ઈજાગ્રસ્ત થયા. સાંજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું.
9 મે: શોપિયાંના પંડોશન વિસ્તારમાં આતંકીઓના ફાયરિંગમાં એક નાગરિકનું મોત થયું. એક જવાન સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
12 મે: પુલવામાના ગુડૂરા ગામમાં જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ રેયાઝ અહમદ ઠોકરની આતંકીઓએ તેમના ઘરની પાસે હત્યા કરી દીધી.
12 મે: બડગામના ચડૂરા વિસ્તારમાં સરકારી ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાજસ્વ અધિકારી રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી. રાહુલ ભટ કાશ્મીરી પંડિત હતા.
17 મે: બારામુલા જિલ્લાના દીવાન બાગ વિસ્તારમાં એક વાઈન શોપ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો. તેમાં 52 વર્ષના રંજીત સિંહનું મોત થયું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા.
24 મે: આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ હુમલામાં તેમના 7 વર્ષની દીકરી ઈજાગ્રસ્ત થઈ હતી. આતંકી જ્યારે પોલીસ કર્મચારી પર ગોળી ચલાવી રહ્યા હતા. ત્યારે બાળકી પોતાના પિતા સાથે ચીપકેલી હતી.
25 મે: લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકીઓએ ઘરમાં ઘૂસીને કાશ્મીરી ટીવી અભિનેત્રી અમરીન ભટ્ટની ગોળી મારીને હત્યા કરી દીધી.
31 મે: કુલગામના ગોપાલપુરમાં આતંકીઓએ એક હિંદુ શિક્ષક રજની બાલાની ગોળી મારીને હત્યા કરી દીધી.
2 જૂન: કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી હતા.
આતંકીઓની યાદીમાં સોફ્ટ ટારગેટ કોણ:
આતંકવાદી સરકારી કર્મચારી, કાશ્મીરી હિંદુ, કાશ્મીરની બહારના લોકો અને જાણીતા ચહેરાઓને ટારગેટ કરી રહ્યા છે. ટારગેટ કિલિંગ્સ પર કાશ્મીરના આઈજી વિજય કુમારનું કહેવું છે કે આ આતંકીઓની નવી રણનીતિ એ છે કે આવા લોકોને ટારગેટ કરવામાં આવે. જેથી ઘાટીમાં તેમની દહેશત યથાવત રહે.