J&K અકસ્માત: રામ રાખે તેને કોણ ચાખે? એક ઝાડના કારણે બચ્યા અનેક ITBP જવાનોના જીવ
રામ રાખે તેને કોણ ચાખે? એવું કહે છે કે જ્યારે મૃત્યુથી વધુ જીવન પ્રબળ બને છે ત્યારે મોત પણ કોઈનું કઈ બગાડી શકતું નથી. આવું જ કઈંક જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યું. આઈટીબીપી જવાનોથી ભરેલી બસ રામબનમાં ખાઈમાં ખાબકી જેમાં 35 જવાનો હતાં.
જમ્મુ: રામ રાખે તેને કોણ ચાખે? એવું કહે છે કે જ્યારે મૃત્યુથી વધુ જીવન પ્રબળ બને છે ત્યારે મોત પણ કોઈનું કઈ બગાડી શકતું નથી. આવું જ કઈંક જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યું. આઈટીબીપી જવાનોથી ભરેલી બસ રામબનમાં ખાઈમાં ખાબકી જેમાં 35 જવાનો હતાં. આ સિવિલ બસ સવારે 8 વાગ્યાની આસપાસ રામબનમાં ખૂની નાળા પાસે ખાઈમાં ખાબકી હતી. જેમાં એક જવાનનું મોત નિપજ્યું અને 8 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં. બસમાં બેઠેલા 24 જવાનોને પણ ખુબ ઈજા થઈ છે. આ બસ જો વચ્ચે ઝાડ ન હોત તો સીધી 300 મીટર ઊંડી ખાઈમાં જઈને પડત. કહે છે કે આ ઝાડના કારણે જ અનેક જવાનોના જીવ બચી શક્યાં. નહીં તો મોટુ નુકસાન થયું હોત.
આ ઝાડ દુર્ઘટના સ્થળેથી લગભગ 25 મીટર નીચે હતું અને બસ રસ્તાની ઉતરીને આ ઝાડ સાથે ભટકાઈ, જેના કારણે બસનું બોડી બે ભાગમાં ફાટ્યું. આ બસ આગળ 200 મીટર નીચે વહી રહેલી નદીમાં ન પડી. જો આમ થાત તો વધુ જવાનોના મોત થઈ જાત.
J&K: રામબનમાં ITBPની બસ ખીણમાં ખાબકી, એક જવાનનું મોત અને 34 ઘાયલ
કાશ્મીરમાં હજુ પણ રાતે તાપમાન શૂન્યથી નીચે રહે છે અને કહેવાય છે કે આ બસ સવારે રસ્તા પર જામેલા બરફની પાતળી સપાટી પર ટાયર લપસવાના કારણે બેકાબુ બની ગઈ હતી જેને ડ્રાઈવર પણ નિયંત્રણમાં ન રાખી શક્યો અને પૂરપાટ ઝડપે તે ખાઈ તરફ પડી. આ બસ બડગામમાં પંચાયત ચૂંટણીઓ પૂરી થયા બાદ આઈટીબીપીની 32મી બટાલિયનના જવાનોને લઈને જમ્મુ પરત ફરી રહી હતી.
આ વખતે રાજ્યમાં ચૂંટણી દરમિયાન કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 400થી વધુ કંપનીઓ તહેનાત કરાઈ હતી. જેમાંથી કેટલાકને હવે પાછા મોકલવામાં આવી રહ્યાં છે. આ જ ક્રમમાં આ ટુકડીઓને રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સિવિલ વાહનો દ્વારા લઈ જવામાં આવતા હતાં. જો કે તપાસ બાદ જ દુર્ઘટનાનું સાચુ કારણ બહાર આવશે.
પરંતુ કહેવાય છે કે વાહનની હાલત ખુબ સારી નહતી. સુરક્ષાદળોની ફરિયાદ રહેતી હતી કે ચૂંટણી વગેરેમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા વાહનો ખુબ જૂના હોય છે. અને તેમાં મુસાફરી કરવી એ જોખમી બની રહે છે. આવામાં રાતે ખરાબ હવામાન અને સ્થિતિઓમાં સુરક્ષા દળોના જવાનોએ જોખમ ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે.