શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના એક ગામમાં એક આતંકી છુપાયો હોવાની સુરક્ષા દળોને બાતમી મળી હતી. બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીને ભારતીય સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદી જ્યાં છુપાયો હતો ત્યાંથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળાનો જથ્થો પણ સુરક્ષા દળોને હાથ લાગ્યો છે. 


પોલીસ સુત્રોએ જણાવ્યું કે, દરગની ગુંડ ગામના ત્રાલ  વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકી તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. 


પોલીસ અધિકારીઓ જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ખુલ્લામાં ફાયરિંગ શરૂ કરી દેતાં ભારતીય સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી કરી હતી. આ મેગા સર્ચ ઓપરેશનમાં રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનો જોડાયા હતા. 


અફવાઓને બળ ન મળે તેના માટે આ વિસ્તારમાં હાલ પુરતી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. 


આ અગાઉ, દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાની લાઈન ઓફ કન્ટ્રોલ પર આવેલી ભારતીય છાવણી પર પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરાયો હતો, જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો.