દાઉદ અને હાજી મસ્તાન પણ જેની સામે ઝુકાવતા હતા માથું, જાણો અંડરવર્લ્ડની માફિયા ક્વીનની કહાની
Mother of Crime Jenabai Daruwali: જેનાબાઈ દારૂવાલીના દરબારમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાન મિર્ઝા પણ માથુ ઝુકાવતા હતા. જોતજોતામાં અનાજની દાણચોરી કરનાર જેનાબાઈ માયાનગર મુંબઈ અને એમ કહેવાય કે અંધારી આલમ જેને લોકો અંડરવર્લ્ડ કહે છે તેની આકા બની ગઈ.
Underworld Mafia Queen/ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં અંડરવર્લ્ડની કહાની માયાનગર મુંબઈથી શરૂ થઈ હતી. આ શહેરને જે તે સમયે બે નંબરનો ધંધો કરનારા માથા ભારે શખ્સોએ પોતાની બાનમાં લીધુ હતુ. બસ ત્યારથી શરૂ થઈ શહેર પર રાજ કરવાની સ્પર્ધા. કરીમ લાલા હોય કે હાજી મસ્તાન કે પછી દાઉદ ઈબ્રાહિમ. અહીં દરેકે પોતાનો દબદબો રાખીને પોતાની રીતે કાયદાને તોડીને તમામ ખોટા ધંધા કર્યા. પોતાની ધાક અને ધાક થી પોતાની શાખ બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, આ તમામની વચ્ચે એક લેડી ડોન એવી પણ હતી જેના નામથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાન પણ ડરતા હતા. એ લેડી ડોનનું નામ હતું જેનાબાઈ દારૂવાલી.
જેનાબાઈ દારૂવાલીના દરબારમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને હાજી મસ્તાન મિર્ઝા પણ માથુ ઝુકાવતા હતા. જોતજોતામાં અનાજની દાણચોરી કરનાર જેનાબાઈ માયાનગર મુંબઈ અને એમ કહેવાય કે અંધારી આલમ જેને લોકો અંડરવર્લ્ડ કહે છે તેની આકા બની ગઈ. જેનાબાઈને દાઉદ અને હાજી મસ્તાન મૌસી અને આપા કહીને બોલાવતા. અને એના દરબારમાં રીતસર માથુ જુકાવતા હતા.
બધા ડોન જેનાબાઈના દરબાર ઝુકાવતા હતા માથું-
એક સમય હતો જ્યારે મુંબઈમાં માફિયા રાજ ચરમસીમા પર હતું. કરીમ લાલા, હાજી મસ્તાન, દાઉદ અને વરદરાજન વર્ધા જેવા અનેક નામોની ચર્ચા થઈ હતી. પરંતુ એક માફિયા રાણી હતી, જેની સામે આ બધા ડોન માથું ઝુકાવતા હતા. મુંબઈની આ માફિયા ક્વીનનું નામ જેનાબાઈ દારૂવાલી હતું. જેનાબાઈની પકડ એવી હતી કે બધાએ તેમને હાથ જોડતા હતા. માત્ર હાથ જોડતા હતા એટલું જ નહીં બધા તેમની પાસે તેમના દરબારમાં તેમની સલાહ અને તેમનો અભિપ્રાય લેવા જતા હતાં.
ક્યાં થયો હતો જેનાબાઈનો જન્મ?
જેનાબાઈનો જન્મ 1920માં મુંબઈના ડોંગરીમાં થયો હતો. જેનાબાઈનું સાચું નામ ઝૈનબ હતું. તેના પિતા માલસામાન લઈ જતા અને મુસાફરોને લઈ જતા હતા. પરિવાર મોટો હતો અને 6 ભાઈઓમાં તે એકમાત્ર બહેન હતી.
લગ્ન બાદ બદલાઈ ગઈ જિંદગી-
એક તરફ જ્યાં દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી, તો બીજી તરફ જીવનની લડાઈ લડી રહેલા જેનાબાઈના 14 વર્ષની વયે લગ્ન થઈ ગયા. લગ્ન બાદ જેનાબાઈને પાંચ બાળકો હતા. પરંતુ 1947માં આઝાદી અને દેશના ભાગલા પછી જેનાબાઈની દુનિયા બદલાઈ ગઈ. જ્યારે જેનાબાઈએ મુંબઈ છોડવાની ના પાડી ત્યારે તેમના પતિ તેમને 5 બાળકો સાથે છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા.
કઈ રીતે જેનાબાઈ બની દાણચોરીની ઉસ્તાદ?
એ સમયે ભારત પણ એક નવા દેશ તરીકે ઉભરી રહ્યો હતો. ત્યારે દેશમાં સમસ્યાઓ પણ નવી નવી હતી. તે સમયે ભારત સરકાર દેશવાસીઓ માટે સસ્તા દરે રાશન આપવાનું કામ શરૂ કર્યું. ત્યારે દેશમાં રાશનની અછત હતી. આવી સ્થિતિમાં, જેનાબાઈએ પરિવારનું ભરણ પોષણ કરવા ચોખા વેચવાનું શરૂ કર્યું અને થોડા દિવસોમાં આ કામ રાશનની દાણચોરીમાં ફેરવાઈ ગયું. જો કે, થોડા દિવસો પછી આ ધંધો બંધ થઈ ગયો અને પછી જેનાબાઈએ દારૂ બનાવવાનું અને વેચવાનું કામ શરૂ કર્યું. ધીરે ધીરે તે માફિયાઓ અને દાણચોરોના સંપર્કમાં આવી. થોડા દિવસોમાં જેનાબાઈનું નામ ચારેય તરફ ચર્ચાવા લાગ્યું. ત્યારથી જેનાબાઈનું નામ જેનાબાઈ દારૂવાલી થઈ ગયું.
કઈ રીતે માફિયા ક્વીન બની જેનાબાઈ?
70નો દશક આવ્યો ત્યાં સુધીમાં જેનાબાઈ દારૂવાલી એક માફિયા ક્વીન તરીકે ઉભરી આવી. લોકો તેનું નામ લેતા પણ ડરવા લાગ્યાં. મુંબઈનગરી અને તેની આસપાસના મોટા શહેરોમાં થતા તમામ સારા ખોટા બિઝનેસ અને ધંધા તેના કહેવા પર ચાલવા લાગ્યા. દાઉદ જેનાબાઈને મળ્યો જ્યારે તે માત્ર 20 વર્ષનો હતો. એક સમય એવો હતો જ્યારે કરીમ લાલા, હાજી મસ્તાન, દાઉદ અને વરદરાજન વર્ધા જેવા માફિયાઓ જેનાબાઈના દરબારમાં માથુ ઝુકાવતા અને તેમની સાથે કામ કરતા. તેમની સલાહ લઈને કામ કરવા લાગ્યા. અને બધા જેનાબાઈને મૌસી કે આપાના નામથી બોલાવતા. પરંતુ જ્યારે ઉંમર વીતી ગઈ, પ્રભાવ પણ ઓછો થયો અને મુંબઈ બોમ્બ વિસ્ફોટના થોડા વર્ષો પછી જેનાબાઈનું અવસાન થયું. ત્યાર બાદ અંડરવર્લ્ડમાં હાજી મસ્તાન પછી દાઉદે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું.