Low cost onion storage facility: ખેડૂતનો જબરદસ્ત દેશી જુગાડ, આ રીતે પાકનો સંગ્રહ કરી ઈચ્છે ત્યારે ઊંચા ભાવે કરે છે વેચાણ
આ યુવા ખેડૂત અને ઈનોવેટર રોહિત પટેલે પોતાના પાકને થોડા સમય માટે સ્ટોર કરીને દસ ગણો લાભ મેળવવાની એક જબરદસ્ત ટેકનિક શોધી નાખી.
નવી દિલ્હી: આજકાલ કોરોના મહામારીના કારણે સામાન્ય માણસની હાલત ખુબ ખરાબ થઈ ગઈ છે. એમા પણ ખેડૂતોને માથે તો ઉપાધિના પોટલા આવી ગયા છે. એક ખેડૂત માટે થોડો પણ ફેરફાર વરદાન કે અભિશાપ સાબિત થતો હોય છે. એવામાં પણ ખાસ કરીને જ્યારે વાત ડુંગળી અને બટાકા જેવા સંવેદનશીલ પાકની હોય. પરતુ મધ્ય પ્રદેશના આ યુવા ખેડૂત અને ઈનોવેટર રોહિત પટેલે પોતાના પાકને થોડા સમય માટે સ્ટોર કરીને દસ ગણો લાભ મેળવવાની એક જબરદસ્ત ટેકનિક શોધી નાખી. સામાન્ય રીતે ડુંગળીને માર્ચ કે એપ્રિલ જેવા ગરમ મહિનામાં ખેતરોમાંથી કાઢવામાં આવે છે. જો કોઈ ખેડૂત પોતાનો પાક તે સમયે વેચી દે તો તેને લગભગ 2-3 રૂપિયા પ્રતિ કિલોની કમાણી થતી હોય છે. વચેટિયાઓ તેને જમા કરીને ઓફ સીઝનમાં વેચે છે અને ભારે નફો રળે છે.
પરંતુ જો ખેડૂત પોતે આ પાક ચોમાસુ આવે ત્યાં સુધી સંગ્રહ કરી શકે તો તે એક કિલોના લગભગ 35 રૂપિયા કમાણી કરી શકે છે. એટલે કે જ્યારે ડુંગળીની આપૂર્તિ ભરપૂર પ્રમાણમાં રહે તો તેનાથી થતો નફો દસ ગણો વધુ મળી શકે છે.
કેવી રીતે થાય છે આ સ્ટોરેજ?
મોટા ભાગે એવું બનતું હોય છે કે કોલ્ડ સ્ટોરેજ મોંઘા હોવાના કારણે ખેડૂત પોતાના પાકને સ્ટોર કરી શકતા નથી અને તેમણે પોતાનો પાક ઓછા ભાવે વેચી નાખવો પડે છે. પરંતુ મધ્ય પ્રદેશના ધાર ડિસ્ટ્રિક્ટના ડેડલા ગામના આ ખેડૂત રોહિત પટેલ પોતાના પાકના સ્ટોરેજ માટે કોઈ મોંઘા કોલ્ડ સ્ટોરેજ પર નિર્ભર રહેતા નથી. તેમણે પોતે એક એવો જુગાડ કર્યો છે કે જેનાથી મહિનાઓ સુધી તેઓ પોતાનો ડુંગળીનો પાક જમા રાખી શકે છે. તેમના આ કમાલના જુગાડના કારણે હવે તેણે પાક ઓછા ભાવે પણ વેચવો પડતો નથી. જેના કારણે તેઓ દર વર્ષે ખુબ સારો નફો મેળવે છે.
શું છે આ દેશી જુગાડ?
તેમના જણાવ્યાં મુજબ સૌથી પહેલા બારી વગરના એક રૂમમાં જમીનથી 8 ઈંચ ઉપર કેટલીક ઈંટો લગાવો. ત્યારબાદ તેના પર લોખંડની એક જાળી બીછાવી દો. આ જાળી બીછાવી દીધા પછી તેના પર ડુંગળી પાથરી દો. હવે એક exhaust fan લગાવીને નીચેથી ડુંગળીને હવા લાગવા દો. આ ફેન ડુંગળીને સૂકી અને ઠંડી રાખે છે. આ સાથે જ ડુંગળીને સડતી પણ અટકાવે છે. બસ આ રીતે તૈયાર છે તમારો પાક વેચાણ માટે. કેવો સરસ જુગાડ છે. સસ્તો અને ટકાઉ કોલ્ડ સ્ટોરેજનો!
(તસવીર- Heemal Agriclinics/ Facebook)
તેમણે જે તૈયાર કર્યું છે તે 600 વર્ગ ફૂટનો સ્ટોરેજ વિસ્તાર છે. જ્યાં 500થી વધુ ક્વિન્ટલ ડુંગળી સંગ્રહ કરી શકાય છે. તેમના આ સ્ટોરેજમાં ઈંટોની ઉપર લોખંડની જાળી પાથરીને રાખી છે અને 6 પંખા લગાવવામાં આવ્યા છે. આ સ્ટોરેજ સિસ્ટમ સામાન્ય રીતે બજારમાં મળતી સ્ટોરેજ સિસ્ટમથી ખુબ સસ્તી પણ છે. તેનો ખર્ચો ફક્ત 25000 રૂપિયા જેટલો આવતે છે. ખેડૂતો માટે આ ડુંગળી સંગ્રહનો જુગાડ એક સસ્તો અને શાનદાર રસ્તો કહી શકાય.
રોહિતે આ જુગાડની મદદથી ખુબ કમાણી કરી છે. કારણ કે પાક તૈયાર થતા તેના ખરાબ થવાના ડરથી હવે રોહિતે મજબૂરીમાં તેને ઓછા ભાવે તાબડતોબ વેચી મારવો પડતો નથી કે પછી મોંઘાદાટ કોલ્ડ સ્ટોરેજની જરૂર પડતી નથી. હવે તે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી પોતાનો પાક સ્ટોર કરીને રાખી શકે છે અને યોગ્ય સમયે યોગ્ય ભાવે વેચે છે.
(Heemal Agriclinics/ Facebook)
રોહિત પટેલ 2009થી પોતાનું શાળાનું શિક્ષણ પૂરું કરીને તરત જ ખેતીમાં લાગી ગયા હતા. તેમનું ખેતર 40 એકરમાં ફેલાયેલું છે. ડુંગળી અને લસણ તેમના ખેતરમાં લેવાતા પ્રાથમિક પાક છે. લસણમાં લાંબા સમય સુધી શેલ્ફ લાઈફ છે અને કિંમતો સ્થિર છે. આથી તેના સ્ટોરેજ માટે ચિંતા રહેતી નથી. પરંતુ ડુંગળી જલદી ખરાબ થઈ જાય છે અને તેની કિમતો પણ અસ્થિર છે. આથી તેને બચાવવા માટે રોહિત પટેલે આ Storage facility નો જુગાડ શોધી કાઢ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube