રાંચી: ઝારખંડના ગઢવા જિલ્લાના છીંજો વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે નક્સલીઓ સાથે ભીષણ અથડામણ દરમિયાન બારૂદી સુરંગ વિસ્ફોટમાં ઝારખંડના જગુઆરના 6 જવાનો શહીદ થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. ગઢવા ડીઆઈજી વિપુલ શુક્લાએ જણાવ્યું કે મંગળવારે મોડી સાંજે લાતેહાર અને ગઢવા સરહદ વિસ્તારમાં છીંજો વિસ્તારમાં નક્સલીઓ હોવાની સૂચના પર પોલીસ અને સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી. સુરક્ષા દળોનો સામનો થતા નક્સલીઓએ પહેલા તો ફાયરિંગ શરૂ કરી દીધુ અને ત્યારબાદ રસ્તામાં છૂપાવેલી બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો જેના કારણે ઝારખંડ જગુઆરના 6 જવાનો શહીદ થઈ ગયાં. જ્યારે અનેક ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે અથડામણ ચાલુ છે અને વિસ્તારમાં સુરક્ષા દળોની વધુ ટુકડીઓ મોકલવામાં આવી છે. અત્રે જણાવવાનું કે ઝારખંડ જગુઆર રાજ્ય પોલીસની નક્સલીઓને પહોંચી વળવા માટે બનાવેલી વિશેષ સશસ્ત્ર શાખા છે. તેમણે જણાવ્યું કે ઘાયલ જવાનોને હાલ તો જંગલમાંથી બહાર કાઢવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.



નોંધનીય છે કે આ અગાઉ પણ 9 માર્ચના રોજ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો જેમાં સુરક્ષા દળોના 9 જવાનો શહીદ થયા હતાં. સુકમા હુમલામાં જવાનોને પહેલા આઈઈડી બ્લાસ્ટથી નિશાન બનાવાયા અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં 100 જેટલા નક્સલીઓ સામેલ હોવાનું કહેવાયું હતું. 2010નો દંતેવાડા જિલ્લાનો હુમલો કોણ ભૂલી શકે?


6 એપ્રિલ 2010ના રોજ દંતેવાડા જિલ્લાના ચિંતલનાર જંગલમાં નક્સલીઓએ સીઆરપીએફના 75 જવાનો સહિત 76 લોકોની હત્યા કરી નાખી હતી.