J-K DG Murder Case: કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. ત્યારે આ બધા વચ્ચે જમ્મુના ઉદયવાલામાં જમ્મુ કાશ્મીરના ડીજી (જેલ) હેમંત લોહિયાની હત્યાથી હડકંપ મચી ગયો છે. DG જેલ હેમંત લોહિયાનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો. તેમનું ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત તેમના શરીર પર ઈજા અને દાઝવાના નિશાન પણ છે. આતંકી સંગઠન ટીઆરએફએ આ હત્યાની જવાબદારી લીધી છે. આ સંગઠન છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં એક્ટિવ છે અને આતંકી ઘટનાઓને અંજામ આપે છે. અત્રે જણાવવાનું કે લોહિયાને ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરના ડીજી (જેલ) તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાઈ રહ્યું છે કે લોહિયા ઉદયવાલામાં તેમના મિત્રના ઘરે હતા. તેમની સાથે તેમનો નોકર યાસિર પણ હતો. પોલીસના જણાવ્યાં મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નોકરે જ આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગે છે. ત્યારબાદ તે ફરાર થઈ ગયો. યાસિર જમ્મુ કાશ્મીરના રામબનનો રહિશ છે. 


પોલીસના જણાવ્યાં મુજબ લોહિયાનો મૃતદેહ સંદિગ્ધ પરિસ્થિતિમાં મળ્યો હતો. ત્યારબાદ પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે તેમની હત્યા થઈ ગઈ છે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે નોકરને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દેવાયું છે. દિલબાગ સિંહે જણાવ્યું કે આરોપીએ હેમંત લોહિયાના મૃતદેહને બાળવાની કોશિશ કરી. જમ્મુના ADGP મુકેશ સિંહે લોહિયાના ઘરની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસથી સંકેત મળે છે કે લોહિયાએ પોતાના પગમાં કઈક તેલ લગાવ્યું હશે જેમાં સોજા જેવું પણ જોવા મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે હત્યારાએ પહેલા લોહિયાનું ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ તેમના ગળાને ચીરવા માટે કેચપની તૂટેલી બોટલનો ઉપયોગ કર્યો હતો. બાદમાં મૃતદેહને આગ લગાવવાની કોશિશ કરી. 


તેમણે કહ્યું કે અધિકારીના ઘર પર હાજર સુરક્ષાકર્મીઓએ લોહિયાના રૂમની અંદર આગ જોઈ અને તેમણે દરવાજો અંદરથી બંધ હોવાના કારણે તેને તોડી નાખવામાં આવ્યો. મુકેશ સિંહે કહ્યું કે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ હત્યા તરફ ઈશારો કરી રહી છે. તેમણે કહ્યું કે, નોકર ફરાર છે અને તેની શોધ શરૂ કરી દેવાઈ છે. ફોરેન્સિક અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે છે. 


આતંકી સંગઠન ટીઆરએફએ લીધી જવાબદારી
આતંકી સંગઠન TRF એ એચકે લોહિયાની હત્યાની જવાબદારી લીધી છે. TRF નું પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફોર્સ નવું આતંકી સંગઠન છે. તે હાલમાં જ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકોની હત્યા સહિત તમામ હુમલા માટે જવાબદાર છે. ટીઆરએફએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમારી સ્પેશિયલ સ્ક્વોડે જમ્મુના ઉદયવાલામાં ગુપ્ત ઓપરેશનને અંજામ આપતા ડીજી પોલીસ જેલ એચકે લોહિયાની હત્યા કરી. આતંકી સંગઠને કહ્યું કે આ હાઈ પ્રોફાઈલ ઓપરેશન્સની શરૂઆત છે. આ હિન્દુત્વ શાસન અને તેમના સહયોગીઓને ચેતવણી છે કે અમે ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ. આ ગૃહમંત્રીને તેમના પ્રવાસ પહેલા નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન ચાલુ રાખીશું.     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube