JK: રાજ્ય DGP એસ પી વૈદ્યને હટાવાયા, તેમની જગ્યાએ દિલબાગ સિંહને સોંપાઈ કમાન
કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ એસ પી વૈદ્યની ટ્રાન્સફર કરી નાખી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ એસ પી વૈદ્યની ટ્રાન્સફર કરી નાખી છે. તેમને ટ્રાન્સપોર્ટ વિભાગમાં મોકલી દેવાયા છે. વૈદ્યના સ્થાન પર ડાઈરેક્ટર (કારાગાર) દિલબાગ સિંહને રાજ્યના નવા ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યાં છે. જો કે એવું કહેવાઈ રહ્યું છે કે દિલબાગ સિંહને થોડા સમય માટે જ ત્યાં મોકલવામાં આવ્યાં છે.
એવી ચર્ચા છે કે રાજ્યપાલ સત્યપાલ સિંહના હસ્તક્ષેપ બાદ વૈદ્યની ટ્રાન્સફર થઈ છે. કહેવાય છે કે રાજ્યપાલ ડીજીપીની કાર્યશૈલીથી નારાજ હતાં. જો કે હાલમાં જ મીડિયામાં વૈદ્યની ટ્રાન્સફર અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ ગૃહમંત્રી રાજનાથ સિંહે તેને માત્ર અફવા ગણાવીને ચર્ચા પર વિરામ મૂક્યું હતું.
એવું કહેવાય છે કે રાજ્યપાલ અને ડીજીપી વચ્ચે જે તણાવ ઊભો થયો તે ગત સપ્તાહે પોલીસકર્મીઓના કુટુંબીજનોના અપહરણ બાદ પૈદા થયો હતો. આતંકીઓએ રાજ્ય પોલીસમાં કામ કરતા કર્મીઓના 11 જેટલા કુટુંબીજનોનું અપહરણ કરી નાખ્યું હતું. જો કે પાછળથી છૂટકારો થયો હતો.