ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પોતે જજ લોયા મુદ્દે સુનવણી કરશે
જજ લોયાનાં મુદ્દે મહારાષ્ટ્રનાં પત્રકાર અને કોંગ્રેસનાં નેતા દ્વારા પણ અગાઉ અરજી કરવામાં આવી ચુકી છે
નવી દિલ્હી : જજ બી.એચ લોયાનાં જે કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચાર સીનિયર જજો બળવાનાં મુડમાં હતા, તેની સુનવણી હવે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પોતે કરશે. આ મામલો જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચ સુનવણી કરી હતી, જો કે ચાર જજો દ્વારા સ્પષ્ટ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા બાદ જસ્ટિસ અરૂણ મિશ્રાએ પોતે સુનવણીથી અલગ કરતા કહ્યું હતું કે, આને ઉપરની બેન્ચ સામે રજુ કરવામાં આવે. ત્યારથી આ વાત મુદ્દે ક્યાસ લગાવવામાં આવતા હતા કે આખરે જજ લોયાનાં મોતનો કેસ કઇ બેન્ચનાં હવાલે કરવામાં આવશે. આ મુદ્દે ચીફ જસ્ટિસની બેન્ચમાં અન્ય જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ હશે.
સુપ્રીમ કોર્ટનાં કોજલિસ્ટનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર જજ લોયાનાં મૃત્યુનો કેસ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે સુનવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ 22 જાન્યુઆરીએ આ મુદ્દે સુનવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીજેઆઇ બાદ સુપ્રીમ કોર્ટનાં ચાર સૌથી વરિષ્ઠ જજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે મહત્વપુર્ણ કેસમાં સીજેઆઇ વરિષ્ઠતાને ધ્યાનમાં નથી લઇ રહ્યા. રાષ્ટ્રીય મહત્વનાં સંવેદનશીલ કેસ સીનિયર્સને નથી સોંપવામાં આવી રહ્યા.
ત્યાર બાદ ચીફ જસ્ટિસે ઘણા મહત્વપુર્ણ કેસની સુનવણી માટે રચાયેલી સંવૈધાનિક બેન્ચમાં આ 4 જજોને સ્થાન આપવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસે આધાર કેસ, કલમ 277 અને સમલૈંગિક કેસ સહિત અન્ય મહત્વપુર્ણ કેસની સુનવણી માટે સંવૈધાનિક બેન્ચની રચના કરી હતી. જેમાં જસ્ટિસ જે.ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એમ. બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ ચારેય જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 4 જજ દ્વારા જ્યારે મીડિયા સમક્ષ રજુ થઇને પોતાનો પક્ષ રજુ કરાયો હતો ત્યારે પણ જસ્ટિસ લોયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોયાનાં મૃત્યુ અંગેની એક અરજી કોંગ્રેસ નેતા તહસીન પુનાવાલાએ દાખલ કરી છે અને બીજી મહારાષ્ટ્રનાં પત્રકાર બંધુ રાજ લોને કરી છે.