નવી દિલ્હી: જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46માં ચીફ જસ્ટિસ બની ગયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ચીફ જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા. જસ્ટિસ રંગન ગોગોઈનું ધ્યાન જે ખાસ પ્રમુખ મુદ્દાઓ પર રહેશે તેમાં અયોધ્યા વિવાદ અને આસામમાં એનઆરસી (નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ) સામેલ છે. ગોગોઈ આજે જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોશેફ સાથે કેસોની સુનાવણી શરૂ કરશે. 


જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બર 2019 સુધીનો છે. આ દરમિયાન તેઓ કેટલાક સંવેદનશીલ કેસોની પણ સુનાવણી હાથ ધરશે. તેમની સામે સૌથી પહેલો પડકાર આસામમાં એનઆરસીના સંકલનની પ્રભાવી નિગરાણી સુનિશ્ચિત કરવાનો રહેશે. આગામી સુનાવણી સુધી તેઓ નિર્ણય લેશે કે એનઆરસી ડ્રાફ્ટમાં જે લોકોના નામ છૂટી ગયા ચે તેમની નાગરિકતાના પુરાવા તરીકે રાશનકાર્ડને માન્યતા આપવામાં આવે કે નહીં. પાડોશી દેશોમાંથી ગેરકાયદેસર રીતે આસામમાં રહેતા લોકોની ઓળખ અને તેમને બહાર કરવાના હેતુથી બની રહેલા એનઆરસીના ડ્રાફ્ટમાં લગભગ 40 લાખ લોકોના નામ નથી. એનઆરસી મામલે જે બેન્ચ સુનાવણી કરી રહી છે તેમાં જસ્ટિસ આર એફ નરીમન પણ સામેલ છે. બેન્ચ એનઆરસી ડ્રાફ્ટમાં જગ્યા ન મેળવનારા લોકોની ડીટેલને કેન્દ્ર સરકાર સાથે શેર કરવાનું નક્કી કરી ચૂકી છે. 


દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...