બેંગ્લુરુ: વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિશાના પર આવી ગયા છે. કર્ણાટક વિધાનસભાના આઉટગોઈંગ સ્પીકર કે બી કોલીવાડે પણ સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે. કોલીવાડે કહ્યું કે સિદ્ધારમૈયા પોતાને પાર્ટીના બોસ સમજે છે, પાર્ટીએ તેમના ઘમંડી વ્યવહારના કારણે નુકસાન ભોગવવું પડ્યું છે. કોલીવાડનું કહેવું છે કે સિદ્ધારમૈયા અસલ કોંગ્રેસી નથી. તેમણે કહ્યું કે અનેક લોકો સિદ્ધારમૈયા વિશે આવા જ વિચારો ધરાવે છે પરંતુ તેઓ આ વિચારોને જાહેર કરી શકતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ સિદ્ધારમૈયા બુધવારે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર બોલતા ભાવુક થઈ ગયા હતાં. સિદ્ધારમૈયાએ હાલ કોંગ્રેસના અનેક વરિષ્ઠ ધારાસભ્યોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ ઉમેદવારોની પસંદગી અને લિંગાયત મુદ્દાને લઈને સિદ્ધારમૈયાને મળેલી પૂરી છૂટનો હવાલો આપતા કોંગ્રેસના પ્રદર્શન માટે તેમને જવાબદાર ઠેરવ્યાં.



બેઠકમાં સિદ્ધારમૈયા થયા ભાવુક
ઘટનાક્રમથી વાકેફ પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ વિધાયક દળની બેઠક દરમિયાન પોતાની સરકારના સારા વિકાસ કાર્યો છતાં કોંગ્રેસની હારની વાત કરતા સિદ્ધારમૈયા થોડા ભાવુક થઈ ગયા હતાં. સિદ્ધારમૈયાએ 12 મેના રોજ ચૂંટણીમાં ધ્રુવીકરણને કોંગ્રેસની હારના કારણોમાંનું એક કારણ જણાવ્યું હતું.