ચંદ્રશેખર રાવ(KCR)એ લીધા તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ
ગુરુવારે રાજભવનમાં આયોજિત એક શપથ સમારોહમાં રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને તેલંગાણાના નવા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR)ને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા
નવી દિલ્હીઃ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ(KCR)એ ગુરુવારે તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ગુરુવારે રાજભવનમાં આયોજિત એક શપથ સમારોહમાં રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને તેલંગાણાના નવા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR)ને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. કેસીઆરે પોતાના એક સહયોગી સાથે શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કર્યા બાદ કેસીઆરે બુધવારે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ ચંદ્રશેખર રાવને ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતીથી ચૂંટી કાઢ્યા હતા.
ટીઆરએસ પ્રમુખે જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા એક કાયદેસરનું જાહેરનામું બહાર પાડવાનું બાકી હવાથી સંપૂર્ણ મંત્રીમંડળની રચનામાં થોડો સમય લાગી શકે છે. શપથ લેતા પહેલા વાતચીત દરમિયાન કેસીઆરે જણાવ્યું કે, તેઓ પોતાના મંત્રીમંડળમાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરશે. રાજ્યમાં બંધારણિય વ્યવસ્થા અંતર્ગત મંત્રીમંડળમાં મહત્તમ 18 સભ્ય રાખી શકાય છે.
ZEE MEDIAની અનોખી પહેલ: હવે એંકર નહી સમાચાર પોતે જ બોલશે
KCRનો બીજો કાર્યકાળ
મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો આ બીજો કાર્યકાળ છે. ઉલ્લેખનીય છે કે, કેસીઆરે તેમનો કાર્યકાળ સમાપ્ત થાય એ પહેલા જ વિધાનસભા ભંગ કરી દીધી હતી. ત્યાર બાદ ચૂંટણી પંજે તેલંગાણામાં દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે આયોજિત કરવાનો નિર્ણય હતો.
ઇશા અને આનંદના લગ્નમાં ઉમટી પડ્યા સિતારા, ગેટઅપ અને લુક હતા જબરદસ્ત
અગાઉની સરખામણીએ મતની ટકાવારીમાં વધારો
તેલંગાણામાં 11 ડિસેમ્બરના રોજ આવેલા વિધાનસભા ચૂંટણી પરિણામમાં KCRએ બે તૃતિયાંશ બહુમતિ સાથે સત્તામાં પુનરાગમન કર્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ને કુલ મતના 46.9 મત પ્રાપ્ત થયા હતા. જે 2014માં અવિભાજિત આંધ્રપ્રદેશના તેલંગાણા વિસ્તારમાં મળેલા મતથી લગભગ 13 ટકા વધુ છે.
કે. ચન્દ્રશેખર રાવની આગેવાનીવાળી ટીઆરએસ પાર્ટીને રાજ્યમાં 88 બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો અને તેણે કોંગ્રેસ અને ડીટીપીના ગઠબંધનને કારમો પરાજય આપ્યો હતો. કોંગ્રેસને માત્ર 19 બેઠક જ મળી હતી, જ્યારે રાજ્યમાં ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.